નવસારી: અવારનવાર જંગલમાંથી પ્રાણીઓ માનવ વસ્તી તરફ આવી જતા હોય છે. ત્યારે સિંહ કે દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ ભટકતા ભટકતા માનવ વસ્તી તરફ આવીને ઘણીવાર માણસો પર હુમલો પણ કરી દેતા હોય છે. નવસારીમાં આવેલા પૂર્વ પટ્ટી વિસ્તાર ચીખલી અને વાંસદા જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી ખાસ કરીને વાંસદા પંથકમાં દીપડાના હુમલાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો વાંસદાના રૂપવેલ ગામમાં સામે આવ્યો છે. જ્યાં ખેતી કામ કરવા ગયેલા એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.
ખેડૂતે હિંમત કરી દીપડાનો પ્રતિકાર કર્યો: મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના રૂપવેલ ગામના પાઘડ ફળિયામાં રહેતા ચેતન રમેશભાઈ પટેલ સવારે ખેતી કામ કરવા માટે ખેતરમાં ગયા હતા. તે દરમિયાન છુપાયેલા દીપડાએ અચાનક જ રમેશભાઈ પર હુમલો કર્યો હતો. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં ખેડૂતે દીપડાથી બચવા પ્રતિકાર કરતા દીપડાને 4થી 5 જેટલી લાતો મારી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેઓએ ઘાયલ ખેડૂતને અનાવલ સરકારી દવાખાને ખસેડ્યો હતો. ખેડૂતની હિમતે તેનો જીવ બચાવ્યો હતો. જોકે, દીપડાના પંજાથી ઘાયલ ખેડૂતને હાથ-પગ પર 2-2 ટાંકા તેમજ જડબામાં પણ ટાંકા લેવા પડ્યા હતા.
વનવિભાગે ઘટના સ્થળની મુલાકાત લીધી: દીપડાના હુમલાની જાણ થતા વાંસદા વન વિભાગની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ETV BHARATએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતન પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ તો અમે દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા છે. અમે ઘાયલ ખેડૂતની મુલાકાત કરી છે. તેમજ તેને તમામ સારવાર મળી રહે, તેની ખાતરી પણ આપી છે. RFO ચેતન પટેલે જણાવ્યું કે, છેલ્લા 5 મહિનામાં વાંસદા તાલુકામાં દીપડાના હુમલાની આવી 5 ઘટના બની છે. જેમાં 2 નાની બાળકી, 1 બાળક અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.
નવસારીમાં 100 દીપડા હોવાનું અનુમાન: નવસારી જિલ્લો દીપડાનું અભ્યારણ્ય બની રહ્યો છે. વન વિભાગ દ્વારા ગત દિવસોમાં કરવામાં આવેલા સર્વેમાં નવસારીમાં 70 થી વધુ દીપડાઓ હોવાનો રિપોર્ટ છે. પરંતુ અનૌપચારિક રીતે નવસારી જિલ્લામાં 100થી વધુ દીપડા ફરી રહ્યા હોવાનું વન નિષ્ણાંતો માની રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં નવસારી જિલ્લામાં માનવ પર દીપડાના હુમલાની સંખ્યા 6 પર પહોંચી છે, જેમાં 2 પુરુષ, 1 મહિલા, 2 બાળકી અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ફક્ત વાંસદા તાલુકામાં જ માનવ પર દીપડાના હુમલાની પાંચમી ઘટના બનવા પામી છે. જે પ્રમાણે દીપડાઓના હુમલા વધી રહ્યા છે. તેને જોતા નવસારીનો પૂર્વ પટ્ટી વિસ્તાર અને ખાસ કરીને વાંસદા પંથકમાં દીપડાના હુમલાનો ભય વ્યાપ્યો છે.
આ પણ વાંચો:
- રખડતા શ્વાનોનો હાહાકાર! નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા
- રાતે ઘરની બહાર નીકળતા પહેલાં ચેતજો, ક્યાંક દીપડો તો નથી ને...