કચ્છ: શ્રુજન સંસ્થાના ક્રાફટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર LLDC દ્વારા દર વર્ષે 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરીના પાંચ દિવસ દરમિયાન LLDC વિન્ટર ફેસ્ટિવલ (Winter Festival) નું આયોજન કરવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો-રાજ્યો સાથે યોજાતા આ સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો લોકો પણ મોટી માત્રામાં લાભ લે છે. હવે તો લોકો આ વિન્ટર ફેસ્ટિવલની દર વર્ષે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે કચ્છમાં લોકો ઓડિશાની લોકસંસ્કૃતિ, પરંપરાગત હસ્તકળાઓ, લોકસંગીત, લોકનૃત્યો અને ઓડિશાની ખાસ વાનગીઓ કચ્છના લોકો માણી શકશે.
ઓડિશા રાજ્યની લોકસંસ્કૃતિ, પરંપરાગત હસ્તકળાઓ, લોકસંગીત, લોકનૃત્યો માણવાનો અનેરો અવસર:

LLDC વિન્ટર ફેસ્ટિવલ અગાઉ ગુજરાત, નોર્થ-ઈસ્ટના રાજ્યો, જમ્મુ - કાશ્મીર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની લોકસંસ્કૃતિ, પરંપરાગત હસ્તકળાઓ, લોકસંગીત, લોકનૃત્યો સાથે યોજાઈ ચૂક્યો છે. હવે ઓડિશા સાથે યોજાઈ રહેલા આ મહોત્સવને માણવા સૌ કોઈ ખૂબ ઉત્સાહિત છે. કચ્છની અસલ ભાતીગળ લોક સંસ્કૃતિ, કચ્છની પરંપરાગત હસ્તકળાઓ, કચ્છનું કર્ણપ્રિય લોક સંગીત, કચ્છના વિવિધ જાતિઓના લોક નૃત્યોની સાથે સાથે ઓડિશા રાજ્યની પણ લોક સંસ્કૃતિ, હસ્તકલાઓ, લોક સંગીત અને નૃત્યો એક સાથે એક જ જગ્યા પર જોવા, માણવા મળે અને સૌ કોઈ એનાથી પરિચિત થાય તેવા હેતુથી શ્રુજન LLDCએ આ દિશામાં એક અનોખી પહેલ કરી છે.

5 દિવસ માટે યોજાઈ રહ્યો છે વિન્ટર ફેસ્ટિવલ: છેલ્લાં 5 વર્ષથી યોજાતા આ વિન્ટર ફેસ્ટિવલમાં ગત વર્ષે વિન્ટર ફેસ્ટિવલ મધ્યપ્રદેશ સાથે યોજાયું હતું, જેમાં મધ્યપ્રદેશના પ્રસિધ્ધ પરંપરાગત લોક નૃત્યો, લોક સંગીત, હસ્તકળા તેમજ ત્યાંની પ્રખ્યાત ખાણી-પીણીનો કચ્છ અને કચ્છ આવતા પ્રવાસીઓએ લ્હાવો લીધો હતો. આ વર્ષે કચ્છ સાથે ઓડિશાની વિવિધતામાં એકતાની ઉજવણી સાથે LLDC વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાવા જઈ રહ્યું છે.

ઓડિશાના ગ્રામીણ પરંપરાગત ક્રાફ્ટના કારીગરોને એક અનેરું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ્ય:
આ વિન્ટર ફેસ્ટિવલમાં દરરોજના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો 19 થી 23 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી યોજાશે. આ વિન્ટર ફેસ્ટિવલનો મુખ્ય ઉદેશ્ય કચ્છ અને ઓડિશાના ગ્રામીણ પરંપરાગત ક્રાફ્ટના કારીગરોને એક અનેરું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આ મારફતે ઓડિશાના કલા અને કારીગરો વધુ લોકો સુધી પહોંચશે અને સાથોસાથ ત્યાંની ભાતીગળ લોક સંસ્કૃતિ પણ વધુ ઉજાગર થશે.

ઓડિશાના 100 જેટલા કલાકારો/કારીગરો પણ પોતાની કલા તેમજ કારીગરી રજૂ કરશે:
વિન્ટર ફેસ્ટિવલ 2025 માં ઓડિશાના 100 જેટલા કલાકારો/કારીગરો પણ પોતાની કલા તેમજ કારીગરી રજૂ કરશે જેથી ગુજરાત અને ઓડિશા એમ બંને રાજ્યોનું સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થશે. ઓડિશાના પ્રસિધ્ધ લોક નૃત્યો, લોક સંગીત, પરંપરાગત હસ્તકળાઓ તેમજ ત્યાંની પ્રસિધ્ધ પરંપરાગત શાકાહારી ખાણીપીણીનો પણ લાભ આ ફેસ્ટિવલમાં લઈ શકાશે.
દરરોજ સાંજે સંસ્કૃતિક કાર્યક્રમો, જર્મન અને અઘોરી મ્યુઝિક બેન્ડ પણ આપશે પરફોર્મન્સ:
વિન્ટર ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે LLDC માં સંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં દરરોજ કચ્છ અને ઓડિશાના લોક સંગીત રજૂ થશે. ત્યારબાદ ગુજરાત – કચ્છ અને ઓડિશાના પ્રખ્યાત એવા અલગ-અલગ 3 થી 4 ડાન્સ ગ્રુપ પરફોર્મન્સ આપશે. ત્યારબાદ દરરોજ સાંજે અલગ-અલગ મ્યુઝિક બેન્ડસ જેમાં ધ તાપી પ્રોજેક્ટ, કબીર કાફે, રેપર બિગ ડીલ, પ્રેમ જોશુઆ એન્ડ બેન્ડ (જર્મન મ્યુઝિક બેન્ડ), અઘોરી મ્યુઝિક બેન્ડસ પોતાની ધમાકેદાર રજૂઆતો કરશે.
ઓડિશાની પ્રખ્યાત વાનગીઓ માણવાની તક: ફેસ્ટિવલમાં કચ્છ અને ઓડિશાની વિવિધ હસ્તકલાઓની ક્રાફટ બજાર પણ હશે તો સાથે જ કચ્છ અને ઓડિશાના ટ્રેડીશનલ ફૂડની સાથે વિવિધ કચ્છી તેમજ ઓડિશાની પારંપરિક વાનગીઓ પણ હશે.જેમાં કચ્છની તથા ઓડિશાની જાણીતી વાનગીઓ, પીઠા પોડાં, છેના પોડાં અને અન્ય ઓડિશાની પ્રખ્યાત મીઠાઈઓ, તેમજ બે પ્રકારની ઓડિશા થાળીનો સ્વાદ લોકો માણી શકશે.

ઓડિશાની વિવિધ કળાઓનું પ્રદર્શન: ક્રાફટ બજારની વાત કરવામાં આવે તો ઓડિશા રાજ્યના ક્રાફટમાં નુઆપટ્ના ટેક્સટાઈલ ઈકત (nuapatna textile ikat), સાયરા પેઈન્ટીંગ (saira painting), ડોકરા આર્ટિફેક્ટ્સ (Dokra Artifacts),ગોલ્ડન ગ્રાસ (કાઈંચો) (golden grass, kaincho), પટ્ટા ચિત્ર (Patta chitra), સબાઈ (sabai), ડોકરા મોડર્ન જ્વેલરી (Dokra Modern Jwellery), ફિલિગ્રી સિલ્વર (Filigree Silver), કોટપેડ ટેક્સટાઈલ (Kotpad Textile), સંબલપુરી સાડી (Sambalpuri Saree), પીપલી એપ્લીક ક્રાફ્ટ (pipli applique craft), પેપર માચે (Paper Mache) જેવી કળાઓ અને તેના નમૂનાઓ નિહાળી શકાશે અને ખરીદી શકાશે.
કચ્છના કારીગરોને પણ રોજગાર મેળવવા ઉત્તમ તક: આ ઉપરાંત ક્રાફટ બજારમાં કચ્છની કળાઓમાં અજરખ બ્લોક પ્રિન્ટ, બાંધણી, બાટીક, કોપર બેલ, ક્રોસિયા, એમ્બ્રોડરી, ખરડ વિવિંગ, એપ્લિક, લેધર, માટીકામ, છરી, વીવિંગ, વુડ કારવિંગ, માતાની પછેડી વગેરે કળાના કારીગરો આવશે અને તેમની વસ્તુઓ વેંચીને રોજગાર મેળવી શકશે.આ ક્રાફટ બજારમાં સંસ્થા દ્વારા કારીગરોને નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવે છે તો સાથે જ રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ભારતના 75 કારીગરોની 75 આર્ટ-ક્રાફ્ટની બેજોડ કૃતિઓ સાથેનું પ્રદર્શન "હમારી વિરાસત" નું પણ રહેશે આકર્ષણ:
વિન્ટર ફેસ્ટિવલમાં અન્ય આકર્ષણોની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાની મ્યુઝિયમ ગેલેરી, એક્ઝિબિશન, વર્કશોપ, વિવિધ ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન, હેન્ડસ ઓન ક્રાફટ્સ, બાળકો માટે કિડ્સ ઝોન, મેજિક શો, સેલ્ફી પોઈન્ટ, વગેરે સાથે લોક સાંસ્કૃતિક મેળાનો અદ્ભુત નજારો પ્રવાસીઓને, મુલાકાતીઓને આકર્ષિત કરશે. તો સાથે જ ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ભારતના 75 કારીગરોની 75 આર્ટ-ક્રાફ્ટની બેજોડ કૃતિઓ સાથેનું પ્રદર્શન "હમારી વિરાસત" પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છવાસીઓને કચ્છ બેઠે બેઠે જ ઓડિશા રાજ્યની સફર માણી શકશે તો આ ફેસ્ટિવલ માણવાનો અનેરો અવસર કચ્છવાસીઓ માટે છે જે ચૂકવા જેવો નથી.
આ પણ વાંચો: