કચ્છ: જિલ્લા પોલીસ દ્વારા 24 કલાક ચાલુ રહે તેવો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર દ્વારા 24 કલાક પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકાશે અને મદદ માંગી શકાશે. આ ઉપરાંત સોમવાર અને મંગળવાર જિલ્લા પોલીસ અધિક્ષક લોકોની રજુઆત રૂબરૂ સાંભળશે.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છની જાહેર જનતાને મદદરૂપ થવા માટે બે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. અઠવાડિયાના બે દિવસ સોમવાર અને મંગળવારે પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા અરજદારોની રૂબરૂ રજૂઆત સાંભળવા એસપી કચેરીએ હાજર રહેશે. આ અંગે એસપી વિકાસ સુંડાએ વધુ માહિતી આપી હતી.
પોલીસ જનતાને મદદરૂપ થવા 24 કલાક કટીબદ્ધ: પશ્ચિમ કચ્છ પોલીસ લોકોને મદદરૂપ થવા માટે રાઉન્ડ ધ કલોક 24 કલાક કટીબદ્ધ છે અને લોકોની રજુઆત સાંભળવા માટે હેલ્પલાઈન નંબર અને કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. ત્યારે હવે 24X7 વધુ બે હેલ્પલાઇન નંબર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જેના માટે બે અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને પોલીસ સંબંધિત મદદની જરૂર હોય ત્યારે તાજેતરમાં શરૂ કરાયેલ નવા હેલ્પલાઇન નંબરના લેન્ડ લાઇન નંબર - 02832 260100 અને મોબાઈલ નંબર - 6359629104 પર સંપર્ક કરી પોતાની રજૂઆત કે ફરિયાદ કરી શકે છે.
હેલ્પલાઇન પરથી ફરિયાદ બાબતે તાત્કાલિક મદદ કરવામાં આવશે: નવા શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબર પર જે કોઈ પણ રજૂઆત કે ફરિયાદ આવશે. તેમાં પોલીસને સૂચના મળતા જ જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં પોલીસ તાત્કાલિક ધોરણે લોકોને મદદરૂપ બનશે.
એસપીએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, 'જો સ્થાનિક પોલીસમાંથી સમયસર મદદ ન મળે તો પણ આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી લોકો પોતાની યોગ્ય રજુઆત કરી શકે છે અને આ હેલ્પલાઇન પરથી તે રજૂઆત કે ફરિયાદ બાબતે તાત્કાલિક મદદ કરવામાં આવશે.'
પશ્ચિમ કચ્છ એસપીને સોમવાર અને મંગળવાર રૂબરૂ મળી રજૂઆત કરી શકાશે: આ ઉપરાંત પશ્ચિમ કચ્છના જે લોકોને એસપીને રૂબરૂ રજૂઆત કરવાની જરૂરીયાત હોય તે માટે તેઓ દર સોમવાર અને મંગળવારે દિવસ દરમિયાન એસપી કચેરી ખાતે રૂબરૂ મળી શકશે. ઉપરાંત જો કોઈ આવશ્યક પરિસ્થિતિ જેમ જિલ્લામાં વીઆઇપી મોમેન્ટ હશે તો જ તેઓ સોમવાર, મંગળવાર કચેરીએ ઉપલબ્ધ નહીં હોય. બાકી ગમે ત્યારે સોમવાર અને મંગળવાર લોકો પોતાની રજૂઆત એસપી સમક્ષ કરી શકે છે.
આ પણ વાંચો: