ભાવનગર: ગુજરાતમાં નાના ઉદ્યોગકારોથી લઈને મોટા ઉદ્યોગકારો તેમજ કારીગરો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે. ત્યારે વ્યવસાય માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કેવા પ્રકારની લોન પ્રાપ્ત થઈ શકે છે? આ લોન લઈને કોઈપણ વ્યક્તિ પોતાના વ્યવસાય કે ધંધાને વિકસાવી શકે છે? સરકાર દ્વારા લોનમાં કેટલી સહાય અપાય છે? ચાલો વિગત થી જાણીએ.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ: ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોજનામાં રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે. જેમાં સહાય ચૂકવાય છે. જેવી કે, દતોપંત ઠેંગડી યોજનામાં હાથશાળ બનાવતા હોય તે લોકો માટે એક લાખની લોનની સહાય છે. જેમાં 25 ટકા સબસીડી મળે છે. આ સિવાય બાજપાઈ બેન્કેબલ યોજનામાં 8 લાખ સુધીનું ધિરાણ નાના વ્યવસાયકારોને આપવામાં આવે છે. આ સાથે મોટા એકમો ઉપર મોટી યોજનાઓ છે.
કેન્દ્રની કઈ મોટી યોજના અને શું જોઈએ પુરાવો?: ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી હર્ષિલ ગોઠીએ જણાવ્યું કે, ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે બેન્કેબલ યોજનામાં બેઝિક ડોક્યુમેન્ટ આપવાના રહેતા હોય છે. આ સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના PMEGP યોજનામાં 3 કોટેશન આધાર પુરાવાના મુકવાના હોય છે. તેમાં 50 લાખ સુધીની સહાય મળી રહે છે.
દત્તોપંત ઠેંગડી કારીગર સહાય યોજના: અધિકારી હર્ષિલ ગોઠીના જણાવ્યા પ્રમાણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં દતોપંત ઠેંગડી કારીગર સહાય યોજના હેઠળ હાથશાળના હસ્તકલા કુટીર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે તેમજ કાચો માલ ખરીદવા ઓછા વ્યાજે નાણા આપવામાં આવે છે. જેમાં ઉંમર 18 વર્ષ દર્શાવવામાં આવી છે. ઇન્ડેક્ટ સીમા નોંધાયેલી હોવી જોઈએ, તેમજ ખોડખાંપણ અને વિકલાંગને પણ લાભ મળે છે. આ યોજનામાં લોન મર્યાદા 1 લાખની છે. જેમાં માર્જિન 20 ટકા જનરલ માટે અને અનામત માટે 30 ટકા છે.
વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વાજપાઇ બેન્કેબલ યોજના સામાન્ય સહિત અપંગ વ્યક્તિને પણ લાભ આપનારી છે, જેમાં ઉંમર 18 થી 65 વર્ષ દર્શાવવામાં આવી છે અને અભ્યાસ ધોરણ 4 પાસ હોવું જોઈએ. આ સાથે તાલીમ અનુભવ ખાનગી સંસ્થામાં 3 માસ અને સરકારીમાં 1 માસનો વ્યવસાય પ્રમાણે હોવો જોઈએ. જો કે, આવક મર્યાદા નક્કી કરાઈ નથી. આ સાથે ઉદ્યોગ ક્ષેત્રે 8 લાખ, સેવા ક્ષેત્રે 8 લાખ અને વેપાર ક્ષેત્રે 8 લાખ સહાય દર્શાવવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં જનરલમાં 25 ટકા અને શહેરમાં 20 ટકા સહાય દર નક્કી કરાયો છે. જ્યારે અનુસૂચિત જાતિ, માજી સૈનિક અને મહિલાને ગ્રામ્યમાં 40 ટકા અને શહેરમાં 30 ટકા નક્કી કરાયો છે. સહાય ઉદ્યોગ ક્ષેત્રે 1.25 લાખ, સેવા ક્ષેત્રે 1 લાખ અને વ્યાપારમાં જનરલ કેટેગરીમાં શહેરમાં 60 હજાર અને ગ્રામ્યમાં 75,000 જ્યારે રિઝર્વ કેટેગરીમાં 80,000 નક્કી કરાયેલી છે.
માનવ કલ્યાણ યોજનાઓનો લાભ: રાજ્ય સરકારની માનવ કલ્યાણ યોજનામાં કારીગરોને આર્થિક સ્થિતિ સુધારવા માટે 10 ટ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ રીપેરીંગ, પ્લમ્બર, સેન્ટીંગ કામ, ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ, અથાણા બનાવટ અને પંચર કીટ જેવા 10 વ્યવસાય ટ્રેડ નક્કી કરાયા છે. જેમાં ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ, જ્યારે આવક મર્યાદા 6 લાખ સુધીની હોવી જોઈએ. આધાર પુરાવામાં આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે. જેમાં ફ્રીમાં કીટ અપાય છે.
બીજી કઈ કઈ યોજનાઓ ઉપલબ્ધ: સરકારની અન્ય યોજનાઓમાં જોઈએ તો, ગ્રામ જ્યોત વિકાસ કેન્દ્ર અંતર્ગત યોજના લાગુ કરાયેલી છે. જેમાં 25 લોકોને રોજગારી આપતું ટ્રસ્ટ, સહકારી મંડળીને ત્રણ વર્ષનો અનુભવ હોય નિયમ પ્રમાણે લાયકાત ધરાવતી હોય તો 13,00,000 સુધીની રકમ મળે છે. આ સાથે અન્ય યોજનાઓ જોઈએ તો, ઔદ્યોગિક સહકારી મંડળી પેકેજ યોજના, ક્લસ્ટર ડેવલોપમેન્ટ સ્કીમ, હાથશાળની યોજના, હાથશાળ સઘન વિકાસ યોજના અને ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર જેવી યોજનાઓ અમલમાં છે.
આ પણ વાંચો: