ઉત્તરપ્રદેશ : મૌની અમાવસ્યા અને વસંત પંચમી પર રામ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મૌની અમાવસ્યાથી વસંત પંચમી સુધી VIP દર્શન પર પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓ માટે દર્શન લેનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. ફાસ્ટ ટેગ લાઈન પણ તૈયાર કરવામાં આવશે. શહેરમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ લગાવીને વસ્તુઓને મંદિર પરિસરથી દૂર રાખવા માટે પણ અપીલ કરવામાં આવશે.
મૌની અમાવસ્યા અને વસંત પંચમીમાં દર્શનાર્થે ઉમડશે રામભક્તો
આગામી 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા છે. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં આયોજિત મહા કુંભ મેળામાં મોટી ભીડ એકઠી થશે. બાદમાં 2 ફેબ્રુઆરીએ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં મહાકુંભમાં આવતા અનેક શ્રદ્ધાળુઓ પણ અયોધ્યા આવશે તેવો અંદાજ છે. રામ નગરીમાં પહેલેથી જ ઘણી ભીડ છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રને આ અંગે એલર્ટ કરવામાં આવ્યું છે.
દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે : મંડલાયુક્ત ગૌરવ દયાલે કહ્યું કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. આવી સ્થિતિમાં અહીં વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. મૌની અમાવસ્યા અને વસંત પંચમીના રોજ કેટલા લોકો રામ નગરી પહોંચી શકે છે તેનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ સરળતાથી રામલલાના દર્શન કરી શકે. રામ મંદિરની અંદર મર્યાદિત ક્ષમતા છે, તેથી લોકો એક સાથે દર્શન કરી શકે તેમ નથી. સંકુલમાં ક્ષમતા વધારવા માટે કેટલીક વધારાની લેન બનાવવાની છે.
સુગમ અને વિશિષ્ટ દર્શન પાસ મુલતવી : સુગમ દર્શન અને વિશિષ્ટ દર્શન પાસ મુલતવી રાખવામાં આવશે. જેથી સામાન્ય જનતા વધુમાં વધુ સંખ્યામાં દર્શન કરી શકે, સામાન્ય દર્શન સવારે 6.30 થી 9.30 સુધી છે, આ સમય લંબાવવામાં આવશે. સામાન્ય દિવસોમાં લગભગ 3 થી 4 લાખ લોકો દરરોજ રામલલાના દર્શન કરે છે. ખાસ દિવસોમાં આ સંખ્યા અનેક ગણી વધી જાય છે.
ભીડને કાબૂમાં રાખવા માટે વ્યવસ્થા કરાઈ : શહેરમાં ભીડને કાબૂમાં રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રામ મંદિરના દર્શન કરતા પહેલા ભક્તો જ્યાં રોકાય છે ત્યાં જ તેમનો તમામ સામાન રાખવા પ્રોત્સાહિત કરીશું. તમામ પોઈન્ટ પર લોકોને તેમનો સામાન તેમની કાર વગેરેમાં મૂકી દેવાનું કહેવામાં આવશે, જેથી તેઓ દર્શન કરીને ઝડપથી પાછા આવી શકે. ખાસ તારીખો પર વિશેષ વ્યવસ્થા કરવી પડશે. જેને લઈને સમગ્ર શહેરમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે.