સુરત:બારડોલીના પણદા પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા ઉમરપાડાના જોડવાણ ગામના 32 વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પત્નીને પ્રસવ પીડા થતાં માંડવીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં લોહીની જરૂર પડતાં યુવક તેના સાળા સાથે બારડોલીથી લોહી લઈને આવી રહ્યો હતો. ત્યારે પણદા ગામની સીમમાં પિકઅપની અડફેટે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જન્મતાની સાથે પુત્રએ પિતાની છાત્રાછાયા ગુમાવી દેતાં ભારે કરુણાંતિકા સર્જાઈ હતી.
પત્નીને લોહીની જરૂર પડતા લેવા બારડોલી ગયો: ઉમરપાડા તાલુકા જોડવાણ ગામનો ઈશ્વરભાઈ ગુલાબભાઈ વસાવા (ઉ.વ.32) સુરત ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેની પત્ની સુનંદા ગર્ભવતી હોય રવિવારના રોજ પ્રસવ પીડા ઉપડી હતી. આથી તેને માંડવીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબે સીઝરિયન કરવું પડે તેમ હોય 2 બોટલ લોહીની જરૂરિયાત હોવાનું જણાવ્યુ હતું. આથી ઈશ્વરભાઈ તેના સાળા કપિલભાઈ સાથે લોહી લેવા માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલની બ્લડ બેન્ક પર આવ્યો હતો.
બાળક જન્મ્યાની જાણ થઈ પણ જોઈ ન શક્યો: બારડોલી પહોંચતા જ જાણવા મળ્યું હતું કે, તેની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. આથી તેઓ લોહી લઈને મોટર સાઇકલ પર માંડવી જવા માટે રવાના થયા હતા. મોટરસાઇકલ કપિલ ચલાવી રહ્યો હતો. બારડોલી માંડવી માર્ગ પરથી પસાર થતી વખતે પણદા ગામની સીમમાં બપોરે સાડા 11 વાગ્યાની આસપાસ તેમની આગળ ચાલતા એક પીકઅપ ચાલકે અચાનક ટર્ન લેતા ચાલક કપિલભાઈ મોટર સાઇકલ કાબૂમાં કરી શક્યો ન હતો અને કઈ સમજે તે પહેલા જ તેમની મોટરસાઇકલ પિકઅપની પાછળના ભાગે અથડાઇ ગઈ હતી. બંને નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી.
નવી સિવિલમાં સારવાર દરમ્યાન મોત: ઇશ્વરભાઇને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ઈશ્વરભાઈને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં આજે મંગળવારના રોજ તેનું મોત થયું હતું. પુત્ર જન્મના સમાચાર જાણી ખુશ પિતા તેનું મોઢું પણ જોઈ શક્યાં ન હતા અને પુત્રએ જન્મતાની સાથે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ ઘટનાને લઈને પરિવારના સભ્યો ભારે કલ્પાંત કરી રહ્યા છે.
આ પણ વાંચો:
- કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની શક્તિસિંહે મુલાકાત લીધી - State President Shaktisinh Gohil
- બારડોલીમાં ભારે વરસાદને કારણે મીંઢોળા નદી તોફાની બની, નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા - Flood situation in Bardoli