રાજકોટ: જિલ્લામાં આશરે દોઢ વર્ષ પહેલા બિંદીયા બોખાણી નામની તબીબે ગત 24 મે 2023ના રોજ માધાપર ચોકડી પાસે આવેલા અતુલ્યમ આંગનવન નામના એપાર્ટમેન્ટમાં બી 104 માં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે જે તે સમયે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધ કરવામાં આવી હતી.
આરોપી ડોક્ટર સામે પોલીસ કેસ: સમગ્ર મામલે મૃતકની 57 વર્ષીય માતા જાનુબેન બોખાણી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ 306 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા તેમજ પાર્થ જોબનપુત્રા નામના ડોક્ટર વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આપઘાત કરનારી બિંદીયા બોખાણી અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં તેને લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી. તેમજ તેના ફોટા અને વિડીયો ઉતારી બદનામ કરવાની ધાક ધમકી આપવામાં આવી હતી.
મહિલા તબીબનો શોષણનો આરોપ: ડોક્ટર પાર્થ જોબનપુત્રા દ્વારા મરણ જનાર બિંદિયા બોખાણીના અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ વિગેરે પોતાના હસ્તક રાખી લગ્ન કરવાના બહાને મહિલા તબીબનું શોષણ કરવામાં આવ્યું હતું. તેમજ તેને મરવા માટે મજબૂર પણ કરવામાં આવી હતી. જેથી મહિલા તબીબે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે સમગ્ર મામલાની તપાસ પશ્ચિમ ACP રાધિકા ભારાઈને સોંપવામાં આવી છે.