મહેસાણા:દેશભમાં ચર્ચાસ્પદ બનેલા 6000 કરોડના BZ પોન્ઝી સ્કીમ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાઈ ગયો છે. CID ક્રાઈમને આજે આ કેસમાં મોટી સફળતા મળી હતી અને લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણામાંથી જ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
ક્યાં સંતાયો હતો ભૂપેન્દ્ર ઝાલા?
વિગતો મુજબ, સીઆઇડી ક્રાઈમની ટીમ બપોરે 1 વાગ્યાથી મહેસાણામાં સર્ચ કરી રહી હતી. ભૂપેન્દ્ર ઝાલાના સંપર્કમાં આવ્યા હોય એવા અને નજીકના હોય તેવા વ્યક્તિઓના કોલ ટ્રેસ કરીને તપાસ દરમિયાન CID ક્રાઈમને ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાદ સાંજે 4 વાગ્યા આસપાસ મહેસાણાના જ દવાડા ગામમાં આવેલા ફાર્મ હાઉસ પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. કરોડોનું કૌભાંડ આચરનાર અહીં ફાર્મ હાઉસ પર જલસાથી રહેતો હતો. જોકે આ ફાર્મ હાઉસ કોનું હતું તે અંગે તપાસ બાદ જ વધુ ખુલાસાઓ થઈ શકે છે.
અગાઉ હાઈકોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી
આ પહેલાં 6000 કરોડના કૌભાંડી BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે તેને રાહત આપી નહોતી અને તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીને ગ્રામ્ય સેશન્સ કોર્ટે પણ ફગાવી દીધી હતી.