ગાંધીનગર: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આગ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી:આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.