રાજકોટ: શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર દારૂ પર નહી, પરંતુ ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા 350 જેટલા મોડીફાઈડ સાયલન્સર પર પ્રથમ વખત બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને ન્યુ 150 ફૂટ રીંગ રોડ 2 તેમજ રાજકોટ જામનગર હાઇવે પર મોડીફાઈડ સાયલન્સર સાથે બાઈક ચલાવનારા યુવાનો થ્રીલ માટે, સ્ટાઈલ માટે, શોખ માટે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે. પરંતુ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત મોંઘા દાટ બાઇકમાં એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે ઓપન બજારમાંથી લગાવવામાં આવેલ મોડીફાઈડ સાયલેન્સરયુક્ત બાઈકને ઝડપી પાડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
મોડીફાઈડ સાયલેન્સર ઝડપાયા: આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 10 દિવસમાં 350 જેટલા મોડીફાઈડ સાયલેન્સર યુક્ત બાઈકને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ કોર્ટના ઓર્ડર, RTO અને વ્હીકલ કંપનીના મેનેજર સહિતના અભિપ્રાય બાદ શીતલ પાર્ક નજીક આવેલા ટ્રાફિક ટોઈંગ સ્ટેશન ખાતે મોડીફાઈડ સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાખી તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
350 મોડીફાઈડ સાયલેન્સર પર ટ્રાફિક પોલીસે બુલડોઝર ફેરવ્યું (Etv Bharat Gujarat) સાયલેન્સરને કાઢીને નાશ કરાયો: DCP ટ્રાફિક પૂજા યાદવના જણાવ્યા અનુસાર અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઈડ સાયલેન્સર યુક્ત બાઈક ધરાવનાર વ્યક્તિને માત્ર ફાઈન આપીને જવા દેવામાં આવતા હતા. પરંતુ અમારા ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલાક બાઇકર્સ દંડ ફટકાર્યા બાદ પણ ટ્રાફિક નિયમનના ભંગ કરે છે. જેથી તેના કાયમી સમાધાન માટે કંપની ફિટેડ ના હોઈ તેવા મોડીફાઈડ સાયલેન્સર લગાવનારા બાઈક ઝડપી પાડવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બાઇકમાં લગાવવામાં આવેલા 350 મોડીફાઇડ સાયલેન્સરને અમે બાઇકમાંથી રીમુવ કરીને તેને ડીસ્ટ્રકશન કરવામાં આવ્યા છે.
નિયમોના ભંગ બદલ થશે દંડ: RTO કેતન ખપેડના જણાવ્યા અનુસાર મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. કેટલાક વાહન ચાલકો દ્વારા કંપની ફીટેડ વસ્તુઓ તેમજ નિયમોની વિરુદ્ધ જઈ કેટલીક એક્સ્ટ્રા એસેસરીઝ ફીટ કરાવવામાં આવતી હોય છે. કેટલીક એસેસરીઝ એવી હોય છે કે, જેનાથી જાહેર જનતાને પણ નુકસાન થાય છે. તેમજ મોટર વ્હીકલ એક્ટના નિયમોનો પણ ભંગ થતો હોય છે. ત્યારે આવા વાહન ચાલકોના વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. તેમજ તેમના દ્વારા પોતાના વાહનોમાં જે વધારાની એસેસરીઝ લગાવવામાં આવી છે, તેને રીમુવ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. નિયમોના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો સાથો સાથ જે તે એસેસરીઝનો નાશ પણ કરવામાં આવ્યો છે. ઓપન બજારમાં એક્સ્ટ્રા એસેસરીઝ વેચનારા વિક્રેતાઓ વિરુદ્ધ પણ આગામી દિવસોમાં શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:
- રાજકોટમાં ફિઆન્સે પ્રેમી સાથે ભાગી જતા યુવકે સગપણ કરાવનાર તેની બહેન સાથે લીધો ભયાનક બદલો
- રાજકોટ પોલીસને હાથતાળી આપી રહેલા બે આરોપી ઝડપાયા, એક આરોપી 4 મહિના બાદ હાથ લાગ્યો