ખેડા:ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમાં એક બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય બે બાળકો હાલ સારવાર હેઠળ છે.જ્યારે અગાઉ નોંધાયેલ એક કેસમાં સારવાર હેઠળ રહેલા બાળકની તબિયત હાલ સુધારા પર છે.આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ચાંદીપુરાથી મોતનો પ્રથમ કેસ:ખેડા જીલ્લાના મહેમદાવાદના પથાવત, ગળતેશ્વર તાલુકાના અંગાડી અને મહુધા તાલુકાના સણાલી ખાતે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાવા પામ્યા છે. જેમાં જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાથી મોતનો પ્રથમ કેસ નોંધાયો છે. જીલ્લામાં નોંધાયેલા ત્રણ નવા કેસોમાં એકનું મોત નિપજ્યુ છે.જ્યારે બે હાલ સારવાર હેઠળ છે.જેમાં મહેમદાવાદના પથાવતના 5 વર્ષિય બાળક ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થવા પામ્યું હતું.જ્યારે ગળતેશ્વર તાલુકાના અંગાડીમાં 10 વર્ષિય બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા.જે હાલ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જ્યારે મહુધા તાલુકાના સણાલી ગામમાં 6 માસના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને હાલ નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યુ છે.