રાજકોટ: વાંકાનેર બાયપાસ મચ્છુ નદી ઉપર 24 વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ નબળો પડી જતા મધ્યભાગમાંથી પુલ બેસી ગયો છે. જેના પરિણામે જોખમી બનેલા આ પુલ ઉપરથી તાકીદની અસરથી માટી ઠાલવી દઈ વાહનોની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી. જે મામલે માર્ગ અને મકાન વિભાગે તપાસ શરુ કરી છે અને ગાંધીનગર વડી કચેરીને રીપોર્ટ કરતા ગાંધીનગરથી ટીમ પુલની ચકાસણી માટે આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
વાંકાનેર બાયપાસનો 24 વર્ષ જૂનો પુલ બેસી ગયો, તંત્ર દ્વારા અવરજવર બંધ કરવામાં આવી - Bridge over Machhu river closed
રાજકોટના વાંકાનેર બાયપાસ મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલ પુલ નબળો પડી ગયો છે. અહી ભારે વાહનોની અવરજવરના પરિણામે આ પુલ મધ્યભાગમાંથી બેસી ગયો છે. ઉપરાંત હવે તંત્ર દ્વારા આ પુલને સારવાર તેમજ તપાસ અર્થે બંધ કરવામાં આવ્યો છે. જાણો સંપૂર્ણ બાબત. Bridge over Machhu river closed
Published : Jul 28, 2024, 5:03 PM IST
માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી: વાંકાનેર શહેરમાં બાયપાસ રોડ ઉપર રાતી દેવડી તેમજ પંચાસર રોડને જોડતો મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ પુલ આજે અચાનક જ વચ્ચેથી બેસી ગયો હતો. જેની જાણ થતા માર્ગ અને મકાન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુલ પરથી અવરજવર જોખમી સાબિત થાય તેમ હોવાથી પુલ બંધ કરવામાં આવ્યો છે.
2000માં બનેલ પુલ બેસી ગયો:વાંકાનેરના જડેશ્વરથી નેશનલ હાઈવેને જોડતા મચ્છુ નદીના પુલને હાલમાં બંધ કરવામાં આવતા વાંકાનેર શહેરમાંથી તમામ વાહનો પસાર થઇ શકશે. વર્ષ 2000માં બનેલ આ પુલ ઉપરથી હેવી વાહનો પસાર થવાને કારણે બેસી ગયો હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું છે. પુલની તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવશે તેવી માહિતી પણ હાલ પ્રાપ્ત થઇ રહી છે.