કચ્છ :સામાન્ય રીતે દિલ્હી, પંજાબ અને હરિયાણા વિસ્તારમાં લોકો ફિટનેસ સાથે વધુ સંકળાયેલા હોય છે. યુવાનો અખાડામાં કુસ્તી અને પાવર લિફ્ટિંગ પણ કરતા હોય છે. પરંતુ ગુજરાતમાંથી બહુ ઓછો લોકો પાવર લિફ્ટિંગ ક્ષેત્રે કે ફિટનેસ ક્ષેત્રે આગળ આવતા હોય છે. ત્યારે ભુજના 19 વર્ષીય વત્સલ મહેશ્વરીએ ફિટનેસમાં કાઠું કાઢ્યું છે.
વત્સલ મહેશ્વરી : માત્ર 19 વર્ષે બન્યો એશિયન ચેમ્પિયન (ETV Bharat Reporter) 19 વર્ષીય પાવર લિફ્ટર વત્સલ :ભુજના 19 વર્ષીય યુવાન વત્સલ મહેશ્વરીએ માત્ર 3 વર્ષની અંદર રાજ્ય, નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે ચેમ્પિયન થઈને કચ્છ, ગુજરાતની સાથે સાથે દેશનું નામ રોશન કર્યું છે. 3 વર્ષથી પાવર લિફ્ટિંગ કરી રહેલ વત્સલ મહેશ્વરી 7 વાર સ્ટેટ અને 3 વાર નેશનલ ચેમ્પિયન બન્યો છે. સાથે જ 1 વાર એશિયન ચેમ્પિયન પણ બન્યો છે.
પિતા બન્યા પ્રેરણાસ્ત્રોત :વત્સલ મહેશ્વરીના પિતા નિખિલ મહેશ્વરી પણ પાવર લિફ્ટર છે અને 5 વખતના રાષ્ટ્રીય ચેમ્પિયન છે. વત્સલ મહેશ્વરીએ પણ છેલ્લા 3 વર્ષથી જીમ શરૂ કરીને રાજ્ય સ્તરથી માંડીને એશિયા લેવલ સુધીની સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી ખેલાડીઓને માત આપી ચેમ્પિયનશિપ મેળવી છે. વત્સલે 3 વર્ષ અગાઉ જીમ જવાનું શરૂ કર્યું અને જીમમાં વર્કઆઉટ કરતા કરતા સારા મસલ્સ બિલ્ડ થતા પાવર લિફ્ટિંગ શરૂ કરવા માટે પિતા તરફથી પ્રેરણા મળી. બાદમાં તેને પાવર લિફ્ટિંગ કરવાનું શરૂ કર્યું અને સ્પર્ધામાં ભાગ લેતો થયો.
એશિયન ચેમ્પિયન વત્સલ મહેશ્વરી પિતા સાથે (ETV Bharat Reporter) ચેમ્પિયન ઓફ ચેમ્પિયન :વત્સલે સૌપ્રથમ 59 કિલો વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં તેણે રાજ્ય સ્તરની સ્પર્ધામાં 110 કિલો સ્ક્વોડમાં 60 કિલો બેન્ચ પ્રેસમાં અને 140 કિલો ડેડલિફ્ટ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ફરી તેણે 66 કિલો વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો. ત્યારે પણ તેણે પ્રથમ સ્થાને વિજેતા બની ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. વત્સલે સ્ક્વોટમાં 180 કિલો અને ડેડલિફ્ટમાં 190 કિલો જેટલો વજન ઊંચકી બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
વત્સલની અભૂતપૂર્વ સિદ્ધિઓ :ઉલ્લેખનીય છે કે, વત્સલ પોતાની વજન શ્રેણી ઉપરાંત સબ-જુનિયર કેટેગરીમાં પણ સૌથી વધુ વજન ઊંચકી સ્ટ્રોંગ મેન બન્યો હતો, જેમાં કુલ 66 જેટલા હરીફ હતા. જે તમામની સામે વત્સલ વિજેતા બનતા વત્સલને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં વત્સલ મહેશ્વરી 3.5 વર્ષમાં 7 વખત સ્ટેટ ચેમ્પિયન, 3 વખત નેશનલ ચેમ્પિયન અને 1 વખત એશિયન ચેમ્પિયન બન્યો છે.
19 વર્ષીય પાવર લિફ્ટર વત્સલ (ETV Bharat Reporter) એશિયન ચેમ્પિયનમાં ભારતનો ડંકો વગાડ્યો:મે, 2024 ના અંતમાં વત્સલ મહેશ્વરએ મધ્ય એશિયાના સૌથી મોટા દેશ કઝાકિસ્તાન ખાતે એશિયન ચેમ્પિયન સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય હરીફોમાં સૌથી વધુ લીફ્ટ ઉપાડવા બદલ પાવર લીફટીગની ડેડ લીફ્ટમાં સબ-જુનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને કચ્છનું નામ રોશન કર્યું હતું. વત્સલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી, જેમાં તેણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને ભારત માટે પાવર લિફટિંગમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે ભારતનું પ્રતિનિધિત્વ :વત્સલ મહેશ્વરી ફિસીઓથેરાપીનો અભ્યાસ કરી રહ્યો છે. વત્સલે કઝાકિસ્તાન ખાતેની સ્પર્ધામાં ડેડ લીફ્ટમાં 210 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તો 75 કિલોની કેટેગરીમાં ફૂલ પાવરમાં 477.5 કિલો વજન ઊંચક્યું અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી આ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ભાગ લેનાર વત્સલ એક માત્ર ખેલાડી હતો. તો વત્સલ આગામી સમયમાં રશિયા તેમજ સ્પેનમાં યોજાનારી વિશ્વકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પાવર લિફ્ટર વત્સલ મહેશ્વરી (ETV Bharat Reporter) યુવાનોને વત્સલની અપીલ :વત્સલ પોતાની ઉંમરના યુવાનોને ફિટનેસ જાળવવા તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવા માટે પણ અપીલ કરે છે. વત્સલ જણાવે છે કે અભ્યાસ, નોકરી તેમજ અન્ય સામાજિક જવાબદારીની સાથે સાથે યુવાનોએ સ્વાસ્થ્યની જાળવણી પણ કરવી જોઈએ. કેવો ખોરાક લેવો, કઈ રીતે વર્કઆઉટ કરવું તેમજ હાલની જીવનશૈલી અંગે પણ એક ટ્રેક રાખવું જોઈએ અને તંદુરસ્ત રહેવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
- ભુજના 19 વર્ષીય વત્સલ મહેશ્વરીએ કઝાકિસ્તાન ખાતે ડેડ લીફ્ટમાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક
- કચ્છના 53 વર્ષીય બોડી બિલ્ડર નિખિલ મહેશ્વરી, યોગ સાધના થકી કર્યા અસાધારણ પ્રયોગ