લાખેશ્વર મહાદેવ મંદિર, જાણો 1200 વર્ષ જૂનો ઇતિહાસ (ETV Bharat Reporter) કચ્છ :10મી સદીમાં બનેલું લાખેશ્વર મહાદેવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. 1200 વર્ષ જૂનું આ મંદિર અનેક ધરતીકંપ અને કુદરતી આફતો બાદ પણ આજે અડીખમ ઉભું છે. આ મંદિર 10 મી સદીના બળવાન શાસક લાખો ફુલાણીએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે, જેને સ્થાપત્યનો શોખ હતો અને તે શિવના પરમ ભક્ત હતા. લાખો ફુલાણીની રાજધાની કપિલકોટ જે હાલમાં કેરા ગામ તરીકે ઓળખાય છે. કેરામાં એક કિલ્લો પણ આવેલો છે.
ચૌલુક્ય શૈલીનો અદ્ભુત નમૂનો (ETV Bharat Reporter) 1200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર :લાખો ફુલાણીને સ્વપ્નમાં સંકેત થતાં તેણે શિવ મંદિર બંધાવ્યું હતું. આ શિવમંદીર પાયાથી શિખર સુધી શિલ્પ મંડિત છે અને ગુજરાતના ઉત્કૃષ્ટ મંદિરોમાંનું એક મંદિર છે. અહીં સુંદર શિલ્પ કલા અને અદભુત સ્થાપત્ય જોવા મળે છે. શિવમંદિરમાં શિલ્પ અને કોતરણી મોહેંજો દડો અને ખજૂરાહોના મંદિરો જેવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1819માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે મંદિરનો ઘણો ભાગ ધરાશાયી થઈ હતો, પરંતુ આજે પણ આ મંદિર અડીખમ ઉભું છે.
10 મી સદીનું લાખેશ્વર મહાદેવ મંદિર (ETV Bharat Reporter) લાખેશ્વર મંદિરનો ઈતિહાસ :ધરતીકંપ બાદ આ મંદિરના ગર્ભાગારના શિખર વગેરેનો ભાગ બચ્યો છે, જે એના શિલ્પ સ્થાપત્યની ઉત્કૃષ્ટતાનો ખ્યાલ આપે છે. મંદિરની ઘસાયેલી અને ક્ષીણ થયેલી કૃતિઓમાંથી પણ ઘણું જાણવા મળે છે. આ શિવાલયને 10 મી સદીમાં રા’લાખાએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે. પરંતુ કચ્છના ઇતિહાસવિદ સ્વ. રામસિંહ રાઠોડ અને સ્વ. કંચનપ્રસાદ છાયાના મતે મંદિરની સ્થાપત્ય રચનાના આધારે મંદિર લાખાના પહેલાંના હોવાનું જણાવી ગયા હતા. તેથી શક્ય છે કે રા’લાખાએ આ શિવમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય.
ઉમદા શિલ્પ સ્થાપત્ય (ETV Bharat Reporter) ઉમદા શિલ્પ સ્થાપત્ય :આમ તો આ લાખેશ્વર મહાદેવ મંદિરના કાળનો કોઈ ચોક્કસ સમય નક્કી થતો નથી, પરંતુ કહેવાય છે કે ઈ. સ. 942 થી 1300 વચ્ચે બંધાયું હશે. આ સમયમાં મંદિરમાં નાનકડું ગ્રાઉન્ડ, અંદર ગર્ભગૃહ એ પછી મંડપ કહેવાય એવો સ્તંભયુક્ત ખંડ, ગર્ભગૃહ અને મંડપને જોડતો ભાગ અંતરાલ, પ્રદક્ષિણા પથ, પીઠ જેવા ભાગો અને ગર્ભગૃહની દીવાલો જેને મંડોવર કહેવાય છે. જે પૈકી કેરાના શિવમંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ અને મંડપ જોવા મળે છે, જેમાં અદભુત શિલ્પ-સ્થાપત્ય કંડારાયેલું જોવા મળે છે.
મંદિરનો પુરાતત્વીય મહત્વ (ETV Bharat Reporter) ચૌલુક્ય શૈલીનો અદ્ભુત નમૂનો :10મી સદી પહેલાં ઉત્તર ભારતમાં નાગર શૈલી અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો હતા. નાગર શૈલીમાં પ્રાદેશિક શૈલી ઉમેરાતા તેને ચૌલુક્ય શૈલી તરીકે ઓળખવામાં આવતું હતું. ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં અનેક પ્રાચીન મંદિરો છે. કેરાનું લાખેશ્વર મહાદેવ શિવમંદિર પણ ચૌલુક્ય શૈલીનો અદ્ભુત નમૂનો છે. લાખેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના ચૌલુક્ય શૈલીનાં અતિપ્રાચીન 75 મંદિરો પૈકીનું એક છે.
પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર :આ મંદિર પ્રચુર માત્રામાં સ્થાપત્યથી ભરેલું છે અને અદભૂત અલંકૃત રચના ધરાવે છે. એ સમયે લાખા ફુલાણીએ શિલ્પશાસ્ત્રીઓ અને કારીગરોને કચ્છમાં આશ્રય આપી આવા સુંદર સ્થાપત્યનું નિર્માણ કર્યું હોવાનું પણ કહેવાય છે. તે સમયના કારીગરો સખત પથ્થરોમાં કોતરકામ કરવામાં કેટલા નિપુણ હશે, એ આ પ્રાચીન મંદિરના સ્થાપત્યોને જોઈને કહી શકાય છે. અતિપ્રાચીન લાખેશ્વર મહાદેવના મંદિરને ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.
મંદિરનો પુરાતત્વીય મહત્વ :સ્થાનિક શિવભક્ત ભાગ્યશ્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે પ્રાચીન લાખેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરતાં મોટા થયા છીએ. આ જગ્યા ધાર્મિક મહત્વની સાથે સાથે માનસિક શાંતિ આપનાર છે. આ મંદિરનો પુરાતન ઇતિહાસ છે. પૌરાણિક શિવમંદિર તરીકે કચ્છમાં માન્યતા ધરાવે છે. હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ મંદિરનું પૌરાણિક મહત્વની સાથે પુરાતત્વીય મહત્વ પણ છે.
- 1200 વર્ષથી બિરાજમાન મૂળેશ્વર મહાદેવ, સરહદના કરે છે "રખોપા"
- 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવતું સુરતનું ગલતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર