નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની બીજી મેચમાં ભારતે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી છે. પાકિસ્તાને આપેલા 106 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને રન ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ટૂર્નામેન્ટમાં ભારતનું ખાતું પણ ખુલી ગયું છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ સામે હાંફળા-ફાંફળા જોવા મળી હતી અને કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. પાકિસ્તાન તરફથી નિદા દારે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 34 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈપણ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ 8 બોલમાં 13 રન બનાવ્યા હતા. જોકે, ટીમને મોટો સ્કોર કરવા માટે આ પૂરતું ન હતું.
ભારતના 106 રનના ચેઝમાં શેફાલી વર્મા (32), હરમનપ્રીત કૌર (29) અને જેમિમાહ રોડ્રિગ્સ (23)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, રિચા ઘોષ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી અને મંધાના માત્ર 7 રન બનાવી શકી હતી.