સેન્ચ્યુરિયન:મોહમ્મદ રિઝવાનની કપ્તાનીમાં ત્રણ મેચની T20 શ્રેણી રમવા માટે દક્ષિણ આફ્રિકા ગયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ સતત શરમજનક પ્રદર્શન કરી રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ હવે શ્રેણીની બીજી મેચમાં પણ તેને 7 વિકેટે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની બીજી મેચમાં પાકિસ્તાને શાનદાર બેટિંગ કરીને 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા, પરંતુ ટીમના બોલરો આ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને દક્ષિણ આફ્રિકાએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
રીઝા હેન્ડ્રીક્સ અને વેન ડેર ડુસેનની મહત્વપૂર્ણ ઇનિંગ્સઃ
આ મેચમાં 207 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. તેઓએ 28 રનમાં રેયાન રિકલ્ટન અને મેથ્યુ બ્રેટ્ઝકેની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી, રીઝા હેન્ડ્રિક્સ અને વેન ડેર ડ્યુસેને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને માત્ર સંભાળી જ નહીં પરંતુ ઝડપથી રન બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી. બંનેએ ત્રીજી વિકેટ માટે 157 રનની મેચવિનિંગ ભાગીદારી કરી, જેણે પાકિસ્તાનને મેચમાંથી સંપૂર્ણપણે દૂર કરી દીધું. દક્ષિણ આફ્રિકા માટે આ તેમના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં ચોથી સૌથી વધુ ભાગીદારી હતી.
સૌથી વધુ રન બનાવનાર ખેલાડી:
રીઝા હેન્ડ્રીક્સે 63 બોલમાં શાનદાર 117 રન બનાવ્યા. જેમાં તેણે 7 ચોગ્ગા અને 10 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે રિઝા હવે આફ્રિકા માટે T20 ઈન્ટરનેશનલમાં સંયુક્ત રીતે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ ફોર્મેટમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર તે ચોથો ખેલાડી છે. આ મેચમાં વાન ડેર ડ્યુસેને 66 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમને જીત તરફ દોરી ગઈ. આ પહેલા હેન્ડ્રિક્સે ટી20માં માત્ર 17 અડધી સદી ફટકારી હતી. તેની પ્રથમ ટી20 સદી ફટકારવામાં તેને 10 વર્ષ લાગ્યાં.