નવસારી: આજના ટેકનોલોજીકલ યુગમાં બાળકો ટીવી અને મોબાઈલ પાછળ પોતાનો વધુમાં વધુ સમય વિતાવતા હોય છે. તેથી બાહ્ય રમતોમાં રસ લેતા થાય એવા ઉદ્દેશ્ય સાથે આજે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા 90 ના દાયકાની વિસરાયેલી રમતોને જીવંત કરી નવસારી દ્વારા શહેરના લુન્સીકુઈ ખાતે ધમાલ ગલીનું આયોજન કરી બાળકોને વિસરાતી જતી રમતો રમાડી ધીંગા મસ્તી કરાવી હતી.
બાળકોને બાહ્ય રમતો પ્રત્યે રુચિ ઓછી: આઘુનિકતાની દોડમાં બાહ્ય રમતો ભુલાઈ રહી છે. બાળકો શાળાએથી ઘરે આવતા જ ટીવી ઉપર કાર્ટૂન અને મોબાઈલ પર સોશિયલ સાઈટ્સ પર વિડીયો, રિલ્સ અને ગેમ રમતા હોય છે. જેને કારણે બાળકોમાં બાહ્ય રમતો પ્રત્યે રુચિ ઓછી જોવા મળે છે. સતત ટીવી અને મોબાઈલના ઉપયોગને કારણે બાળકોમાં આંખની સમસ્યા તેમજ ઓબેસિટીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
ધમાલ ગલીનું આયોજન: જેનાથી ઘણીવાર બાળક ડિપ્રેશનનો શિકાર બને છે અને મોબાઇલને કારણે વલ્ગર વિડીયો જોઇને ખોટા રસ્તા પર જતા હોવાની ફરીયાદો પણ વધી છે. ત્યારે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા બાળકો આંતર રમતોને બદલે બાહ્ય રમતો રમતા થાય અને તેમનામાં ભેગા મળી રમવાની, પારિવારિક ભાવ કેળવાય એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ધમાલ ગલીનું આયોજન કર્યું હતું.
અલગ અલગ રમતોનું આયોજન: આ ધમાલ ગલીમાં દોરડા ખેંચ, લીંબુ ચમચી, કોથળા કૂદ, દોડ, માઈન્ડ ગેમ્સ, 7 કુંડાળા જેવી અનેક રમતો સાથે જ ઝુંબા ડાન્સમાં શહેરના 2500 થી વધુ બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વાલીઓએ આ પ્રકારના આયોજન વર્ષમાં એકવાર નહીં પણ વારંવાર થાય એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે બાળકોએ મોબાઈલ અને ટીવીથી કંઈ અલગ રમતો રમવા મળી, એને ખૂબ માણી અને મજા સાથે ધીંગા મસ્તી કરી હતી.
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેજસ ગઢવીએ જણાવ્યું હતું કે,'ધમાલ ગલી માત્ર રમતો માટે જ નથી, પણ નવા મિત્ર બનાવવા, પરિવાર સાથે સમય વિતાવવા અને આપણા પરંપરાગત ખેલને જીવંત રાખવાનો ઉત્સવ છે. સાથે જ આ ધમાલ ગલીમાં આવતા બાળકોએ દેશના તમામ બાળકોને મહત્વનો સંદેશ પણ આપ્યો હતો.'
જ્યારે અન્ય વાલીઓએ જણાવ્યું હતું કે,'હાલમાં દરેક નાના બાળકો મોબાઈલમાં આખો દિવસ ગાળે છે પરંતુ તેમણે મોબાઈલ વાપરવા કરતાં આવી ગેમમાં પોતાનો સમય પસાર કરવો જોઈએ. જેના કારણે બાળકોની શારીરિક અને માનસિક વિકાસ ખૂબ ઝડપી થાય છે. બાળક સ્ફૂર્તિલું અને વેગવાન બને છે.
ખાસ કરીને ધમાલ ગલી વિશે જણાવતા તેમણે કહ્યું કે અહીં અનેક એવી ગેમ છે જે બાળકોને ખૂબ પસંદ આવશે. જેથી આવી ઇવેન્ટનું વર્ષમાં બે થી ત્રણ વાર જો આયોજન કરવામાં આવે તો બાળકો માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.'
આ પણ વાંચો: