દાહોદઃ દાહોદમાં આવેલા સંજેલીમાં ખાતે મહિલાને તેના સાસરી પક્ષના લોકોએ અર્ધનગ્ન કરી સરઘસ કાઢવા મામલે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં આ પીડીત મહિલા આત્મસન્માન સાથે પગભર થાય તે માટે પોલીસ દ્વારા ફળ અને શાકભાજીની દુકાન શરૂ કરવી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખાખીનું આ રુપ પણ જોવા જેવું છે. જ્યાં લોકોના માટે પોલીસની છબી છે તેના કરતાં અહીં એક માણસાઈના દર્શન થાય છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં પરિણીતાને પ્રેમ સંબંધ મામલે તેના સાસરી પક્ષના લોકોએ માર મારી અર્ધનગ્ન હાલતમાં બાઈક સાથે સાંકળથી બાંધી સરઘસ કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. મહિલાનું રેસ્ક્યું કરી ચાર મહિલા સહિત પંદર લોકો વિરુદ્ધ અત્યાચાર, અપહરણ, આઈ ટી એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
હવે આ મહિલા સમાજમાં સન્માનભેર જીવી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પોલીસ દ્વારા અહીં બસ સ્ટેશન નજીક દુકાન ભાડે રાખી ફ્રૂટ અને શાકભાજીની દુકાન શરૂ કરવી આપવામાં આવી હતી. દાહોદ એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના હસ્તે દુકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, દુકાનના ભાડા સહિતનો તમામ ખર્ચ પોલીસ વિભાગ દ્વારા ચૂકવવામાં આવ્યો હતો. સાથે જ એક મહિના સુધી શાકભાજી અને ફ્રૂટનો જથ્થો વેચાણ માટે લાવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લાઈવ સીસીટીવી કેમેરા પણ દુકાનમાં લગાવવામાં અવ્યા અને તેનું મોનીટરીંગ ફતેપુરાની SHE ટીમ દ્વારા કરવામાં આવશે. આ ટીમ સતત મહિલાના સંપર્કમાં રહી કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની કાળજી રાખશે.