પેરિસ (ફ્રાન્સ): પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે ભારતની મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું, કારણ કે શૂટિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહીને અર્જુન બબુતા અને રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં મેડલ મેચમાં ચૂકી ગયા હતા.
રમિતા અને અર્જુને ક્વોલિફિકેશનના 3 રાઉન્ડમાં કુલ 628.7 પોઈન્ટ બનાવ્યા. રમિતા અને અર્જુન 3 શોટ બાકી રહેતા 5માં ક્રમે હતા અને મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય થવાની ખૂબ નજીક હતા, પરંતુ ભારતીય જોડી 1.0 પોઈન્ટથી પાછળ રહી ગઈ હતી.
આ જ ઈવેન્ટમાં સંદીપ સિંહ અને ઈલાવેનિલ વાલારિવાનની અન્ય ભારતીય જોડી 626.3ના કુલ સ્કોર સાથે 12મા સ્થાને રહી હતી.
તમને જણાવી દઈએ કે, મેડલ ઈવેન્ટ્સ માટે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચની 4 ટીમો - ટોપ બે ટીમો ગોલ્ડ મેડલ મેચમાં રમશે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. ચીન, કોરિયા, જર્મની અને કઝાકિસ્તાન 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ મેડલ મેચમાં ભાગ લેશે.
ઓલિમ્પિકના આજે પ્રથમ દિવસે, અન્ય ચાર ભારતીય શૂટર્સ - મનુ ભાકર, રિધમ સાંગવાન, સરબજોત સિંહ અને અર્જુન ચીમા - 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઈવેન્ટ્સમાં ભાગ લેશે. ભારતને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલની સૌથી વધુ આશા મનુ ભાકર પાસેથી છે.
- પેરિસ ઓલિમ્પિક 2024 LIVE, ભારતની ઓલિમ્પિક રમતો શરૂ... - PARIS OLYMPICS 2024