સિડનીઃ ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સતત ધમાલ મચાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક પછી એક રેકોર્ડ બનાવ્યા બાદ બુમરાહે હવે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જસપ્રીત બુમરાહ હવે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ સ્પિનર બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા છે. બુમરાહના નામે આ મોટી સિદ્ધિ નોંધાઈ હતી જ્યારે તેણે સિડની ટેસ્ટમાં માર્નસ લાબુશેનને આઉટ કર્યો હતો.
બુમરાહે ઈતિહાસ રચ્યોઃ
જસપ્રીત બુમરાહ હવે ઓસ્ટ્રેલિયામાં કોઈપણ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બુમરાહે હાલમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 32 વિકેટ લીધી છે. માર્નસ લાબુશેન 32મી વિકેટ તરીકે તેનો શિકાર બન્યો હતો. બુમરાહે લાબુશેનની વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા બુમરાહે સિડની ટેસ્ટના પહેલા દિવસે ઉસ્માન ખ્વાજાની વિકેટ લઈને બિશન સિંહ બેદીના રેકોર્ડની બરાબરી કરી હતી.
બિશન સિંહ બેદીનો 47 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યોઃ
બુમરાહ પહેલા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મહાન અને દિવંગત સ્પિનર બિશન સિંહ બેદીના નામે હતો. 1977-78 ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન, તેણે સમગ્ર શ્રેણીમાં 31 વિકેટો લીધી હતી. જોકે, બુમરાહે સિડનીમાં રમાઈ રહેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં આ રેકોર્ડ તોડ્યો હતો.
ટેસ્ટમાં 200થી વધુ વિકેટઃ
જસપ્રીત બુમરાહે આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને પરેશાન કર્યા છે. તેણે પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેણે બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ પછી બુમરાહે એડિલેડ ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી હતી. બુમરાહે બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી મેચમાં 9 વિકેટ લીધી હતી. આ બોલરે મેલબોર્નમાં ચોથી ટેસ્ટમાં પણ 9 વિકેટ ઝડપી હતી. હવે બુમરાહે સિડની ટેસ્ટમાં વધુ 2 સફળતા હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. બુમરાહે આ પ્રવાસ દરમિયાન 200 ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી છે. તેણે અત્યાર સુધી 45 ટેસ્ટ મેચમાં કુલ 205 વિકેટ લીધી છે.
આ પણ વાંચો:
- 'હું બે બાળકોનો પિતા છું…' રોહિત શર્માએ નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન, ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
- શું છે 'પિંક ટેસ્ટ', શા માટે ઓસ્ટ્રેલિયા આ પિન્ક ટેસ્ટ રમી રહ્યું છે? જાણો તેનો ઇતિહાસ