નવી દિલ્હી: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ આજે રમાશે. હાલમાં બંને ટીમો એક-એક મેચ જીતીને શ્રેણીમાં બરોબરી પર છે. ભારતને પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વે સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ બીજી મેચમાં ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી.
ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે:ભારતીય ટીમ આજે ઝિમ્બાબ્વે સામે તેની ત્રીજી મેચ રમશે ત્યારે તેનો ઈરાદો મેચ જીતીને શ્રેણીમાં લીડ લેવાનો રહેશે. આ મેચમાં ભારતીય ટીમમાં 2 અથવા 3 ફેરફાર જોવા મળી શકે છે જેમાં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના 3 ખેલાડીઓ ઝિમ્બાબ્વેમાં ભારતીય ટીમ સાથે જોડાયા છે.
ચેમ્પિયન ટીમના ખેલાડીઓ રમી શકશે:T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમના ખેલાડીઓ ત્રીજી મેચમાં રમતા જોવા મળી શકે છે. ધ્રુવ જુરેલની જગ્યાએ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય સાઈ સુદર્શન ત્રીજી મેચ માટે ટીમની બહાર થઈ ગયો છે, તેના સ્થાને શિવમ દુબે અથવા યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. જો જયસ્વાલને બીજી તક મળે છે, તો છેલ્લી મેચનો સદી કરનાર અભિષેક શર્મા ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે.
પિચ રિપોર્ટ: આ મેચની પિચ છેલ્લી બે મેચ જેવી જ છે કારણ કે તમામ મેચો એક જ મેદાન અને એક જ પીચ પર રમાશે. આ પીચ પર પહેલી મેચ ખૂબ જ ઓછી સ્કોરિંગ હતી, જ્યારે બીજી મેચ હાઈ સ્કોરિંગ હતી. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં પણ હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.