રાજકોટ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે આયર્લેન્ડ સામેની શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી શરૂ થનાર આ સિરીઝ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં યોજાશે. જેમાં કેપ્ટન હરમનપ્રીતની ઈજાના કારણે સ્મૃતિ મંધાના ત્રણ મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે, અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટીમની વાઇસ કેપ્ટન હશે.
ઓપનર પત્રિકા રાવલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ શ્રેણી બાદ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 24 વર્ષીય ખેલાડીએ ત્રણ ઇનિંગ્સમાં 44.66ની એવરેજથી 134 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ મિડલ ઓર્ડર બેટ્સમેન તેજલ હસબનીસને વર્લ્ડ કપ પહેલા લાંબો સમય આપવા માટે સમર્થન આપ્યું છે.
માત્ર બે T20 આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ધરાવતા ઓલરાઉન્ડર રાઘવી બિષ્ટને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવી છે. સયાલી સાતઘરેને આ શ્રેણી માટે પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવી છે. ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વ્હાઇટવોશ નોંધાવ્યો હતો અને હવે તે શ્રેણીમાં પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા પર ધ્યાન આપશે.
ભારતે વેસ્ટ-ઈન્ડિઝનો વાઈટ વોશ કર્યો:
22થી 27 ડિસેમ્બર સુધી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વડોદરાના કોટમ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 3 મેચની ODI શ્રેણી રમાઈ હતી. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 211 રને, બીજી મેચ 115 રને અને ત્રીજી મેચ 5 વિકેટે જીતી હતી. આ દરમિયાન રેણુકા સિંહ ઠાકુરે કુલ 10 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગ માટે તેને શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. આ પહેલા 3 મેચોની T20 સીરીઝ પણ રમાઈ હતી, જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું.