ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં, બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીત્યો, અને સ્પિન બોલરો માટે મદદરૂપ એવી આ ચેપોક પીચ પર પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં બિલકુલ વિલંબ કર્યો ન હતો.
ભારતે શરૂઆતમાં જ 3 વિકેટ ઘણા વહેલા ગુમાવી દીધી હતી. હસન મહમૂદની શાનદાર બોલિંગને કારણે ભારતે પહેલા કલાકમાં જ 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા અને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે મળીને ભારત માટે 97 બોલમાં 62 રનની ભાગીદારી કરી ભારતને એક સારા સ્કોર સુધી પહોંચાડ્યું. હસન મહમૂદે પંતના સ્વરૂપમાં તેની ચોથી વિકેટ લીધી અને તે 39 રન બનાવી કેચ આઉટ થઈ ગયો હતો. તે પછી કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે અનુક્રમે 56 અને 16 રન બનાવીને કેચ આઉટ થઈ ગયા હતા.
અશ્વિન-જાડેજાની અણનમ ભાગીદારી:
ભારતની એક પછી એક વિકેટ ગુમાવ્યા બાદ અશ્વિન અને જાડેજાએ મેદાનમાં ટકી રહેવાનો સંકલ્પ કર્યો. ધીમે ધીમે બંને અનુભવી ખેલાડીઓએ બાંગ્લાદેશના બોલરો સામે ટકી રહ્યા અને બંનેએ 129 રનની અણનમ ભાગીદારી કરી. આ સાથે જાડેજા અને અશ્વિને ભારતના ખરાબ સ્કોરને આગળ વધારી અડધી સદી પણ પૂર્ણ કરી. અશ્વિને 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને જાડેજાએ 73 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ્સ રમી છે.