હૈદરાબાદ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચ માટે આ ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે, જે 20 ફેબ્રુઆરી, શનિવારના રોજ લાહોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાશે.
ઇંગ્લેન્ડે 48 કલાક પહેલા તેની પ્રથમ મેચ માટેની પ્લેઈંગ 11 જાહેર કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમમાં જેમી સ્મિથ ટીમમાં પાછો ફર્યો છે, જે ત્રીજા નંબર પર બેટિંગ કરશે અને વિકેટકીપરની ભૂમિકા ભજવશે. જોફ્રા આર્ચરને સાથી ઝડપી બોલરો બ્રાયડન કાર્સ અને માર્ક વુડ સાથે પસંદ કરવામાં આવ્યા છે.
જોસ બટલરની આગેવાની હેઠળની ટીમને થોડા અઠવાડિયા પહેલા ભારત સામે 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વધુ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ODI વર્લ્ડ કપ સેમિફાઇનલ અને T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ક્વોલિફાય ન થયા બાદ કેપ્ટન જોસ બટલર પર ઘણું દબાણ હશે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. જોકે ટીમ મેનેજમેન્ટે તેમને એક વિસ્તૃત તક આપી અને ચેમ્પિયન્સ ટ્રોફી બટલર માટે કેપ્ટન તરીકે પોતાની યોગ્યતા સાબિત કરવાની છેલ્લી તક હોઈ શકે છે, જેમણે થ્રી લાયન્સને T20 વર્લ્ડ કપ 2022 માં વિજય અપાવ્યો હતો. ટેસ્ટ કોચ તરીકે શાનદાર કાર્યકાળ ગાળનાર બ્રેન્ડન મેક્કુલમને ટેસ્ટ ફોર્મેટમાં ઇંગ્લેન્ડની સફળતા બાદ વ્હાઇટ-બોલ ફોર્મેટમાં પણ કમાન સોંપવામાં આવી છે.