મુંબઈ: એક મોટા નિર્ણયમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ KK મિશ્રાની જગ્યાએ BCCIના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ના નવા વડા તરીકે નિવૃત્ત IPS અધિકારી શરદ કુમારની નિમણૂક કરી છે. કેકે મિશ્રાને ગયા વર્ષે BCCIના ભ્રષ્ટાચાર વિરોધી એકમના વડા બનાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.
ભારતીય ક્રિકેટમાં આ મહત્વપૂર્ણ નિમણૂક પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના ચાર મહિના પહેલા કરવામાં આવી છે. નોંધનીય છે કે, નિવૃત્ત આઈપીએસ અધિકારી શરદ કુમાર પણ ચાર વર્ષ સુધી NIAના ચીફ તરીકે કામ કરી ચૂક્યા છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ ભારતમાં આતંકવાદ વિરોધી કાયદા અમલીકરણ એજન્સી છે.
ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી શરદ કુમારને ત્રણ વર્ષ માટે BCCIના ભ્રષ્ટાચાર વિરોધી એકમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, 29 સપ્ટેમ્બરે BCCIની વાર્ષિક સામાન્ય સભામાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. પદ સંભાળ્યા બાદ શરદ કુમાર ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દાઓને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી જેવા મામલા પણ સામેલ છે.