ભરૂચ :રાજ્યભરમાં ચર્ચાના સ્થાને રહેલી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે આપના ચૈતર વસાવાને ચૂંટણી જંગમાં ઉતરતા હવે વસાવા Vs વસાવાની ટક્કર થશે. 2024 લોકસભા ચૂંટણી જંગમાં કોણ બાજી મારશે અને કયા ફેક્ટર ચૂંટણીના પરિણામો નક્કી કરશે ? જુઓ વિસ્તૃત પોલિટિકલ અહેવાલ
35 વર્ષથી ભાજપનો ગઢ :ભરૂચ લોકસભા બેઠક પર 1989 માં મર્હુમ એહમદ પટેલનો ચંદુભાઈ દેસમુખ સામે પરાજય થયો ત્યારથી આ બેઠક ભાજપના હાથમાં રહી છે. ભરૂચ લોકસભા બેઠક પર 35 વર્ષથી એકહથ્થુ શાસન રાખનાર ભાજપે છેલ્લા 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર ફરી વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. 2024 લોકસભા ચૂટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આપ-કોંગ્રેસનું ગઠબંધન :ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. આમ તો ઈન્ડિયા ગઠબંધને પહેલેથી જ આરપારના ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર રહેશે તો સામે 6 ટર્મથી સતત જંગી લીડથી જીતેલા મનસુખ વસાવાને ભાજપે "નો રિસ્ક" થિયરી અપનાવી રીપીટ કર્યા છે.
ભરૂચ લોકસભા બેઠકના મતદારો :કુલ 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ સાથેની ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો, 8.27 લાખ મહિલા મતદારો અને 83 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ મતદારો સાથે સૌથી વધુ મતદારો છે. જ્યારે કરજણ વિધાનસભામાં 2.15 લાખ મતદારો સૌથી ઓછા છે.
ખરાખરીના જંગનું મેદાન :ભારતીય જનતા પાર્ટી હાલ ભરૂચ લોકસભા બેઠક પર ફક્ત જીત નહીં, પણ 5 લાખ કરતા વધુ લીડથી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તો તાજેતરમાં જ નર્મદા ભાજપ કાર્યાલય ઉદઘાટન પ્રસંગમાં 6 લાખની લીડનો લક્ષ્યાંક આપી દીધો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા તેમની જીતના આશાવાદ સાથે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કેવી રહેશે 2024 લોકસભા ચૂંટણીની તસ્વીર તેના પર એક નજર કરીએ...
હું છેલ્લી 6 ટર્મ એટલે કે 30 વર્ષથી સાંસદ રહ્યો છું અને સાતમી વખત ભાજપે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. ભરૂચ લોકસભાના તમામ વિસ્તારોમાં અમે પ્રજાલક્ષી કામો કર્યા છે અને એ કામોને લઈને પ્રજાની વચ્ચે જઈશું અને પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતીશું. ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી હોય, છોટુ વસાવા હોય કે અન્ય બીજા કોઈ પણ પક્ષ ભારતીય જનતા પાર્ટી સામે જીતી શક્યા નથી, તો ચૈત્ર વસાવા પણ અમારી સામે જીતી શકશે નહીં. -- મનસુખ વસાવા (ભાજપ ઉમેદવાર, ભરૂચ લોકસભા બેઠક)
2019 લોકસભા ચૂંટણીના આંકડા :ગત લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.49 ટકા એટલે કે 6.39 લાખ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મત મળ્યા હતા, જે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી કરતાં 10.92 ટકા ઓછા મત હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ BTP માંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, તેમને 12.53 % મત સાથે 1.44 લાખ મત મળ્યા હતા.
લીડ લેવામાં માહેર મનસુખ વસાવા :કુલ 11.50 લાખ મત એટલે કે 73.55 ટકા મતદાનમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 3.34 લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં પણ મનસુખ વસાવાએ સારી ટક્કર આપી 1.58 લાખની લીડ મેળવી હતી. તો 2009 માં કોંગ્રેસના સમયમાં પણ 27 હજારની લીડ સાથે મનસુખ વસાવા આગળ રહ્યા હતા.
7 વિધાનસભા વિસ્તાર :વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં તો ભરૂચના વર્તમાન સાંસદને ગત ચૂંટણીમાં સૌથી વધુ 1.13 લાખ મત ભરૂચમાંથી મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા 77 હજાર મત ઝગડીયામાંથી મળ્યા હતા. કોંગ્રેસને સૌથી વધુ 57 હજાર મત જંબુસરમાં મળ્યા હતા તથા સૌથી ઓછા 32 હજાર મત ઝગડીયામાં મળ્યા હતા.
ત્રિકોણીય ચૂંટણી જંગ :પાછલા 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ રહ્યો છે. જેનાથી ભાજપ અને કોંગ્રેસને વધતા ઓછા અંશે અસર રહી છે. ત્યારે આ વર્ષે હવે છોટુભાઈ વસાવા ચૂંટણી જંગમાં જંપલાવશે કે કેમ ? તે પણ ચૂંટણીના પરિણામો માટે એક મહત્વનું ફેકટર રહેશે.
પરિણામ પર અસર કરતા પરિબળ : આ વર્ષે લોકસભાની ચૂંટણી ભાજપ માટે તેમના ધાર્યા મુજબ જેટલી સરળ નહીં રહે, તેના કેટલાક મહત્વપૂર્ણ કારણો છે. કેમકે આ વર્ષે ચૂંટણી જંગમાં બંને ઉમેદવાર આદિવાસી સમાજના છે અને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સૌથી વધુ વસ્તી આદિવાસી સમાજની હોવાથી જે તરફ આ સમાજનો ઝુકાવ રહેશે તે ઉમેદવાર બાજી મારી શકે છે. બીજા નંબર પર સૌથી વધુ વસ્તી લઘુમતી સમાજની (મુસ્લિમ સમાજ) છે, ત્યારે લઘુમતી સમાજ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે ફેક્ટર પણ અહીંયા મહત્વનો છે.
હું ડેડીયાપાડાનો ધારાસભ્ય બન્યો છું, ત્યારે આપ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા મને ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો છે. અમે પ્રજાના મુદ્દા જેવા કે શિક્ષણ સુવિધા, ફ્રી વીજળી અને હોસ્પિટલને લગતા પ્રશ્નોને લઈને અમે પ્રજા સમક્ષ જઈ રહ્યા છીએ. મનસુખ વસાવા 6 ટર્મથી જીતતા આવ્યા છે, તેમને આરામની જરૂર હોવાથી અમે તેમને હરાવીને આરામ આપીશું. અમે પ્રજાલક્ષી કામો કરવા માટે તત્પર છીએ. --ચૈતર વસાવા (AAP ઉમેદવાર, ભરૂચ લોકસભા બેઠક)
ભરુચની જનતાનો મૂડ :રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતો પણ અન્ય જિલ્લાની સરખામણીએ ઓછા વળતર મામલે સરકાર સામે બાંયો ચડાવીને બેઠા છે. તો તાજેતરમાં જ ભરૂચની નર્મદા નદીમાં આવેલા પુર મામલે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના રિપોર્ટ આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને વિપક્ષ આ પૂર માટે સરકાર દોષિત હોવાના આક્ષેપ કરી રહ્યા છે. જોકે આ પૂરમાં કરોડો નહીં પણ અબજો રૂપિયાનું નુકસાન અને મુશ્કેલી વેઠ્યા બાદ જનતા પહેલાથી જ આક્રોશિત છે. ત્યારે આવા કેટલાક મુદ્દાઓ પર ચૈતર વસાવા ભાજપના સાંસદને સતત ઘેરી રહ્યા છે.
ચૈતર વસાવા માટે કપરા ચઢાણ :બીજી તરફ ચૈતર વસાવા માટે પણ કપરા ચઢાણ છે. એક તરફ તેમની સામે 6 ટર્મથી જંગી લીડ સાથે જીત હાંસલ કરતા સાંસદ છે. બીજી તરફ ગઠબંધન વચ્ચે પણ તેમને ભરૂચમાં કોંગ્રેસનું પૂરતું સમર્થન નથી મળી રહ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્ર-પુત્રી તેમને ટિકિટ મળવાથી નારાજ છે. તો કોંગ્રેસના એક જૂથને કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં હોવાનું લાગતા તેઓ કોંગ્રેસના સિમ્બોલ પર ચૈતર વસાવાને ચૂંટણી લડાવવા માંગે છે.
મતોનું વિભાજન રહેશે પડકાર :ચૈતર વસાવા શરતી જામીનને લઇ નર્મદા જિલ્લામાં પ્રવેશી શકે તેમ નથી. તો સામે છોટુભાઈ વસાવા નવા જૂની કરે તો મુશ્કેલીમાં વધારો થવો સ્વાભાવિક છે. પરંતુ ટૂંકા સમયગાળામાં ચૈતર વસાવાએ આદિવાસી સમાજ પર સારી પકડ મેળવી લેતા આમ આદમી પાર્ટીને જીતની આશા છે. ભાજપનું માનવું છે કે નગરપાલિકાથી લઈ વિધાનસભાનો મોટો ભાગ ભાજપના હાથમાં હોવાથી તેઓ ફક્ત જીતશે નહીં, પણ જંગી લીડથી આગળ વધશે.
ભરૂચના વિકાસની વાસ્તવિકતા :ભરૂચ લોકસભા વિસ્તારમાં ચોમાસા બાદ રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે, જે હજી સુધી બન્યા નથી. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ હજી સુધી આવ્યા નથી. ત્રણ બ્રિજ હોવા છતાં પણ ટ્રાફિકનું સમસ્યા રોજ વર્તાય છે. ભરૂચ લોકસભા વિસ્તારમાં 5 મોટી GIDC આવેલી હોવા છતાં પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી. ભરૂચ લોકસભાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અને રોડ રસ્તાઓની સમસ્યા પણ છે.
પાયાની સુવિધાઓનો અભાવ :ભરૂચ લોકસભાના ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણ સુવિધાનો અભાવ છે, શિક્ષકોની ઘટ છે. ભરૂચ લોકસભાના અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીઓને ભણવા જવા માટે સરકારી બસો પૂરતી ન હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભરૂચ લોકસભા વિસ્તારમાં ખેડૂતોને જમીન સંપાદન મુદ્દે વળતરનો મામલો હજુ સુધી ઉકેલાયો નથી. ભરૂચમાં આરોગ્યલક્ષી સુવિધા અને હોસ્પિટલોનો પણ અભાવ છે.
છોટુ વસાવા અને AIMIM કિંગ મેકરની ભૂમિકામાં રહેશે :
2024 લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ન ઉતારતા કોંગ્રેસ તરફી મતદારોનું વિભાજન થઈ શકે છે. ઇન્ડિયા ગઠબંધન થકી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હવે સાતમી વખત લોકસભા ચૂંટણી લડતા ભાજપના મનસુખ વસાવા સામે પોતાનો દમખમ દેખાડશે. વસાવા વિરુદ્ધ વસાવાના ચૂંટણી જંગમાં આદિવાસી વિકાસના મુદ્દા સાથે ભરૂચ જિલ્લાના પૂર્વ વિસ્તારના વિકાસના પ્રશ્નો મહત્વના રહેશે. વસાવા વિરુદ્ધ વસાવા વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે ઉભા રહેતા આદિવાસી મતોનું વિભાજન થઈ શકે છે. BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભારતીય ટ્રાયબલ પાર્ટીના વફાદાર મતદારો ભાજપ સાથે જઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ સીધી રીતે ભરૂચ બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરી નથી, ત્યારે ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારોની જાહેરાત AIMIM ના અસદુદ્દીન ઓવૈસીએ કરી છે. ભરૂચ બેઠક પર જો AIMIM તેના ઉમેદવારને ઉતારવાની જાહેરાત કરશે તો કોંગ્રેસની સાથે જતા મુસ્લિમ મતોના AIMIM અને ભાજપ વિરોધી આપ વચ્ચે વહેંચાશે. આમ 2024 માં ભરૂચ બેઠક પરના ત્રિપાંખીયો જંગમાં છોટુ વસાવા અને AIMIM રહેશે કિંગ મેકરની ભૂમિકામાં રહેશે.
- Bharuch Lok Sabha Seat: ભરૂચ લોકસભા બેઠક પર વસાવા V/S વસાવાની ટક્કર
- Bharuch Lok Sabha: ભરૂચ લોકસભા બેઠક હું લડીશ અને જીતીશ, ફૈઝલ પટેલનો મોટો દાવો