ખેડા :ખેડા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી આવી હતી. જોકે, વર્ષ 2014 થી અહીંનું રાજકીય ચિત્ર બદલાયું છે. છેલ્લી બે ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. સતત પાંચ ટર્મથી સાંસદ રહેલા કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલ 2014 લોકસભા ચૂંટણીમાં દેવુસિંહ ચૌહાણ સામે પરાજિત થયા અને ખેડા બેઠક પર ભગવો લહેરાયો. બાદમાં 2019માં પણ ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ જીત્યા અને તેમની સરસાઈ પણ વધી હતી.
ખેડા લોકસભા બેઠક પર હવે ભાજપનો કબજો છે. ત્યારે કેમ કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા અને ખેડા બેઠક પર ભાજપે કેવી રીતે કબજો જમાવ્યો તે અંગે ભાજપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ વિવિધ કારણો રજૂ કર્યા હતા. જુઓ ETV Bharat નો ખાસ પોલિટિકલ અહેવાલ
કોંગ્રેસની નીતિને જાકારો :2014 માં કોંગ્રેસની વિવિધ નીતિઓને દેશભરમાં લોકોએ જાકારો આપ્યો અને ભાજપમાં વિશ્વાસ મુક્યો. તેના પરિણામે દેશમાં પરિવર્તન આવ્યું અને ભાજપ પક્ષ સત્તામાં આવ્યો. તેની સાથે જ ખેડા લોકસભા બેઠક પર પણ પરિવર્તન જોવા મળ્યું હતું. અહીં પણ ભાજપના ઉમેદવાર પર જનતાએ કળશ ઢોળ્યો અને સાથે સતત પાંચ ટર્મ સાંસદ રહેલા કોંગ્રેસના દિનશા પટેલને હરાવી ભાજપના દેવુસિંહ ચૌહાણ વિજયી બન્યા.
સીમાંકનમાં બદલાવ ભાજપને ફળ્યો :સીમાંકન બદલાતા તેનો લાભ ભાજપને મળ્યો હતો. સીમાંકન બદલાતા કોંગ્રેસના પ્રભુત્વ વાળા કેટલાક વિસ્તારો આણંદ અને પંચમહાલ લોકસભા બેઠકમાં ગયા હતા. જ્યારે ભાજપનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોનો ખેડા લોકસભા બેઠકમાં સમાવેશ થયો હતો, જેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો.
ભાજપના લોક કલ્યાણના કાર્યો :2014 માં સત્તા પરિવર્તન બાદ લોકસભા વિસ્તારમાં વિકાસ તેમજ લોક કલ્યાણના કાર્યો જોવા મળ્યા. લોકોને વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભ સરળતાથી મળતા થયા અને સ્થાનિક જનતા વિકાસની રાજનીતિથી પરિચિત થઈ. આ વિસ્તારમાં ભાજપના સાંસદ દ્વારા થયેલા વિકાસના કામોનો લાભ ભાજપ પક્ષને થયો અને પક્ષ સતત મજબૂત થતો ગયો.
ભાજપનું એકહથ્થુ શાસન :ખેડા લોકસભા વિસ્તારમાં ખેડા જિલ્લાની પાંચ અને અમદાવાદ જિલ્લાની બે એમ તમામ સાત વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે. અહીં 2017 વિધાનસભામાં મહુધા અને કપડવંજ વિધાનસભા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યાં 2022 વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. આમ લોકસભા વિસ્તારમાં આવતી તમામ બેઠક ભાજપ પાસે છે. ઉપરાંત નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે અહીં ભાજપની સ્થિતિ એકંદરે મજબૂત બની છે.
અસ્તિત્વ ટકાવવા કોંગ્રેસનો પ્રયાસ :પરંપરાગત રીતે કોંગ્રેસનો અજેય ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. લોકસભા વિસ્તારની બે વિધાનસભા બેઠક કોંગ્રેસ ગુમાવી ચૂકી છે. હાલ કોંગ્રેસ પાસે અહીં એક પણ વિધાનસભા બેઠક નથી. તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ નબળો દેખાવ રહ્યો છે. કોંગ્રેસ અહીં જનાધાર ગુમાવી ચૂકી છે. તેની પાસે મજબૂત નેતાગીરી પણ નથી.
- પરિવર્તનના પાયામાં ભાજપના જન કલ્યાણના કામો છે : અજય બ્રહ્મભટ્ટ