ગુજરાત

gujarat

ETV Bharat / politics

Porbandar Lok Sabha Seat: રમેશ ધડુકનું પત્તુ કપાયું, પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયાના નામની જાહેરાત - Porbandar BJP Mansukh Mandaviya

ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડે આજે દેશની 195 લોકસભા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ગુજરાતની 15 લોકસભા બેઠકના ઉમેદવારો પણ આજે જાહેર કરાયા છે. રાજ્યસભાના સભ્ય અને હાલ કેન્દ્રીય આરોગ્યપ્રધાન તરીકે કામ કરી રહેલા મનસુખ માંડવીયાને પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપે તેમના ઉમેદવાર બનાવ્યા છે.

Porbandar Lok Sabha Seat
Porbandar Lok Sabha Seat

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 9:34 AM IST

પોરબંદર:કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ ભાજપ દ્વારા આજે આગામી લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં 195 સીટ પરના ઉમેદવારો જાહેર કર્યા છે જે પૈકી ગુજરાતમાંથી 15 બેઠકોના ઉમેદવારો આજે જાહેર કરાયા છે. જેમાં પોરબંદર બેઠક પરથી ઉમેદવાર તરીકે રમેશ ધડુકના સ્થાને મનસુખ માંડવીયાને પસંદ કરવામાં આવ્યા છે. પાછલા પાંચ વર્ષથી મનસુખ માંડવીયા કેન્દ્ર સરકારમાં આરોગ્ય વિભાગની કામગીરી કરી રહ્યા છે. કોરોના કાળમાં તેમની કારકિર્દીને ધ્યાને રાખીને રાષ્ટ્રીય નેતૃત્વ એ તેમને રાજ્યસભાની જગ્યા પર પોરબંદર લોકસભા બેઠક પર ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રાથમિક માહિતીઃ1લી જૂન 1972 ના દિવસે ભાવનગરના હણોલ ગામમાં જન્મેલા માંડવીયા મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાંથી આવે છે. માત્ર 20 વર્ષની ઉંમરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય થવાની સાથે મનસુખ માંડવીયાએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1996 માં તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સભ્ય તરીકે ખૂબ જ મહત્વની કામગીરી કરી.

મનસુખ માંડવીયાનીરાજકીય સફર:

મનસુખ માંડવીયા 1998માં પાલીતાણા તાલુકા ભાજપના પ્રમુખ બનવાની સાથે જ સક્રિય રાજનીતિમાં એક્ટિવ થયા. ત્યારબાદ વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. વર્ષ 2004માં મનસુખ માંડવીયા દ્વારા બેટી બચાવો બેટી પઢાવો દ્વારા 123 કિમી પદયાત્રા કાઢીને તેમના મતવિસ્તારમાં આવતા 45 જેટલા ગામો કે જેને શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ પછાત માનવામાં આવે છે તેવા ગામોમાં બાળકીઓના શિક્ષણ અને જન્મદરને 1000 કરતા પણ વધારે ઊંચું લાવી શક્યા. જેના થકી સ્થાનિક કાર્યકર્તાઓને પાર્ટી સાથે જોડીને સક્રિય રાજકારણમાં મનસુખ માંડવીયા રાજકીય નેતાનું કદ મેળવતા થયા.

મનસુખ માંડવીયા વર્ષ 2010માં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન બનવાની સાથે રાજ્યના રાજકારણમાં સક્રિય થવાની સાથે લેઉવા પાટીદાર સમાજના અગ્રણી રાજકીય નેતા તરીકે તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 2012માં તેમને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ મનસુખભાઈ માંડવીયા વર્ષ 2012માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. આ દરમિયાન પણ તેઓ કેન્દ્ર સરકારની વિવિધ સંસદીય સમિતિઓમાં સામેલ થયા અને તેમના અનુભવો સભ્ય તરીકે કમિટીમાં રજૂ કર્યા.

વર્ષ 2013માં મનસુખ માંડવીયાને પ્રદેશ ભાજપના મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. વર્ષ 2014માં મનસુખ માંડવીયાને ભાજપના સભ્યો બનાવવાની રાષ્ટ્રીય કાર્યકારણીના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તેમના જ કાર્યકાળ દરમિયાન ભાજપ વિશ્વની સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ. વર્ષ 2015માં મનસુખ માંડવીયાને ભારતના પ્રતિનિધિ તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવાની તક મળી. તેમના દ્વારા આગામી 2030 સુધીમાં ટકાઉ વિકાસનો એજન્ડા કઈ રીતે લાગુ કરી શકાય તેને લઈને પણ તેમના પ્રતિભાવો વ્યક્ત કરવાની તક યુનાઇટેડ નેશનમાં પણ મળી હતી.

કેન્દ્રીય મંત્રી પરિષદમાં સામેલ:વર્ષ 2016 માં મનસુખ માંડવીયાએ કેન્દ્રીય કેબિનેટમાં રાજ્યમંત્રી તરીકે માર્ગ વાહન વ્યવહાર હાઇવે શિપિંગ રસાયણની સાથે ખાતર વિભાગના રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામોમાં ખૂબ જ પ્રગતિ આવી. આરોગ્ય પ્રધાન તરીકે 7,800 જેટલા જન આયુષ્ય સ્ટોરમાંથી 1402 જેટલી દવાઓ અને 200 કરતાં વધુ સર્જીકલ સાધનો કોઈપણ વ્યક્તિને ખૂબ જ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન પણ તેમના કાર્યકાળ દરમિયાન થયું.

વર્ષ 2018માં ફરી રાજ્યસભામાં:મનસુખ માંડવીયાને વર્ષ 2018માં ફરીથી રાજ્ય સભા માટે પસંદ કરાયા, જે કાર્યકાળ વર્ષ 2024માં પૂર્ણ થવા જઈ રહ્યો છે. વર્ષ 2019માં મનસુખ માંડવીયા દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ભાવનગરથી પદયાત્રાનું આયોજન કર્યું હતું. જેના પૂર્ણાહુતિ પ્રસંગમાં વડાપ્રધાન મોદી ખુદ હાજર રહ્યા હતા જે મનસુખ માંડવીયાનું રાજકીય કદ કેટલું મોટું છે તે બતાવી આપે છે. ત્યારબાદ સ્વતંત્ર પ્રભારીના રાજ્યમંત્રી તરીકે મનસુખ માંડવીયાએ બંદર અને જહાજની સાથે રસાયણ અને ખાતર વિભાગના મંત્રી તરીકે કામ કરવાની તક મળી. રાજકારણની સાથે મનસુખ માંડવીયાએ વર્ષ 2021માં ફિલોસોફી વિભાગમાં ડોક્ટરની પદવી પણ હાંસલ કરી.

વર્ષ 2021માં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન: મનસુખ માંડવીયાની કાર્યપદ્ધતિને ધ્યાને રાખીને મોદી સરકારમાં તેમણે સાત જુલાઈ 2021થી કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ ખાતર વિભાગના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી તેઓ આજ દિન સુધી આરોગ્યપ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમના કાર્યકાળમાં સમગ્ર દેશમાં કોરોનાની બે ભયાવહ લહેર આવી હતી. જેમાં રસીકરણથી લઈને કોરોના સંક્રમણ કાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ પ્રશંસનીય માનવામાં આવી છે.

પોરબંદર બેઠકનો રાજકીય ઈતિહાસ:પોરબંદર લોકસભા બેઠક જુનાગઢ પોરબંદર રાજકોટ અને અમરેલી જિલ્લાના કેટલાક મત વિસ્તારોનો સમાવેશ થઈને બનાવવામાં આવી છે. એક સાથે ચાર જિલ્લાના મતદારો જોડાતા હોય તેવી કદાચ સૌરાષ્ટ્રની એક માત્ર લોકસભા બેઠક છે. અહીંથી ગોંડલના સામાજિક આગેવાન રમેશ ધડુક સાંસદ હતા. તેમની વય અને સામાજિક કાર્યોને લઈને તેમણે ખુદ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યારે પોરબંદર બેઠક પરથી પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની સાથે કેટલાક સહકારી આગેવાનો અને પોરબંદરના પૂર્વ સાંસદો પણ પોરબંદર બેઠક માટે દાવેદાર માનવામાં આવતા હતા. લેઉવા પાટીદાર મતદારો બહુલિક પોરબંદર લોકસભા બેઠક પાછલા ઘણા વર્ષોથી ભાજપ પાસે જોવા મળે છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે અહીંથી વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટણી જીત્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ પણ ભાજપમાં સામેલ થઈ જતા પોરબંદર લોકસભા બેઠક પાછલા પાંચ ટર્મથી ભાજપનો ઉમેદવાર સતત જીતી રહ્યો છે.

  1. Kutch Lok Sabha Seat: ગુજરાતની સૌથી મોટી લોકસભા કચ્છ માટે સતત ત્રીજી વાર યુવા સાંસદ વિનોદ ચાવડા રિપીટ
  2. Jamnagar Lok Sabha Seat: રિવાબા પૂનમ માડમને ગળે મળ્યાં, જામનગર લોકસભા બેઠક પર બે ટર્મના સાંસદ પૂનમ માડમ ફરી રિપીટ

ABOUT THE AUTHOR

...view details