પરેશ દવે.અમદાવાદઃ આસારામ બાપુ તરીકે ઓળખ ઘરાવતા આ ધાર્મિક ગુરુનું અસલ નામ આસુમલ છે. મૂળે પાકિસ્તાનના બેરાની ગામે જન્મેલા આસારામનું જીવન વૈભવ અને વિવાદોથી પૂર્ણ છે. આસારામ (Asaram)ને હાલમાં જ વચગાળાના જામીન મળ્યા છે અને હવે તે આ જામીન પીરિયડ દરમિયાન નિર્ધારિત શરતો સાથે જેલની બહાર રહેશે. ત્યારે આવો જાણીએ આસારામ વિશે કેટલીક બાબતો...
આસારામ બાપુ ઊર્ફે આસુમલ કોણ છે
પોતાને આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ બાપુ પાકિસ્તાનમાં જન્મેલો છે. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલ હરપલાની સમયાંતરે આસારામ બાપુ બન્યો. દેશમાં વિભાજન બાદ આસારામનું પરિવાર ભારત આવી વસ્યું. આસારામની આરંભિક શિક્ષણ અમદાવાદના મણિનગર સ્થિત જય હિન્દ હાઇસ્કૂલ ખાતે થયું હતું. બાળપણમાં તીવ્ર યાદશકિત થકી અભ્યાસ, ગીતો, કાવ્યો અને વિગતો સત્વરે યાદ રહેતી. ઉંમર વધતા આસારામ નામ ધારણ કરી આરંભમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ આરંભી. પોતાને ધર્મ અને સંસ્કૃતિના ગુરુ બતાવી 1972માં અમદાવાદના મોટેરા ખાતે પહેલા નાની કુટીર બનાવી, ત્યાર બાદ ધીરે ધીરે ભક્તો વધતા એ જ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી તેણે આસારામ બાપુ તરીકેની નામના મેળવી. બસ, અહીંથી શરૂ થાય છે આસારામ બાપુની સફળતા અને આસારામના જેલવાસ સુધીની કહાની.
પોતાના આરંભના દિવસોમાં આસારામ દ્વારા દૂરના ગ્રામ્ય વિસ્તારમાં વંચિત, શોષિત પ્રજા સાથે ધાર્મિક પ્રવચન, ભજન અને આયુર્વેદિક દવાના ઉપચાર થકી પોતાનો ભક્તિનો વ્યાપ વધાર્યો. આશ્રમમાં અને આસારામના જાહેર કાર્યક્રમોમાં આવતા ભક્તોને વિના મૂલ્યે ભોજન અને અન્ય જરૂરિયાત પૂરી પડાતી. 1972 થી આજ સુધી આસારામના 400 થી પણ વધુ આશ્રમ દેશ - વિદેશમાં છે. એવું મનાય છે કે, આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ હસ્તક આશરે 10 હજાર કરોડની કિંમતની મિલકત છે અને સતત વિવાદો વચ્ચે પણ આસારામના ત્રણ કરોડ જેટલા અનુયાયીઓ હશે.
આસારામ સાથે અનેક વાતો જોડાયેલી
હાલ 83 વર્ષીય આસારામે જીવનના પ્રથમ ગુરુ 1960માં લીલા શાહને માન્યા. એવું કહેવાય છે કે, તેમના ગુરુ લીલા શાહે આસુમલને આસારામ નામ આપ્યું હતું. હિન્દુ ધર્મની વાતો અને ગ્રંથોના પ્રસંગો લઈ આસારામે ભક્તોને વધાર્યા. જેમ જેમ આસારામના ભક્તોની સંખ્યા વધતી ગઇ એ સાથે તેમના આશ્રમોની સંખ્યા પણ વધી સાથે સંપતિ પણ વધી. દેશમાં 1990 ના હિન્દુત્વ ઉદયના સમયગાળા દરમ્યાન આસારામે રાજકારણીઓ સાથે અને દેશ ભરમાં ભક્તોની વિત્ત બેંકની લાલચમાં રાજકારણીઓ સાથે નજદીકીઓ પણ વધારી હતી. આસારામ બાપુના કાર્યકમોમાં પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ભાજપની સાથે કોંગ્રેસના કમલનાથ, દિગ્વિજય સિંહ સહિત મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી મોતીલાલ વોરા સાથે પણ નજદીકી સંબંધ આસારામના રહ્યા હતા. એકવીસમી સદીના પહેલા દસકામાં આસારામની તાકાત, સંપતિ અને રાજકીય કદ વધતું ગયું.
અમદાવાદનો ચકચારી કેસ
દેશના તત્કાલીન મુખ્યમંત્રીઓ ઉમા ભારતી, શિવરાજસિંહ ચૌહાણ, રમણ સિંહ, વસુંધરા રાજે અને પ્રેમકુમાર ધુમલ સહિત આસારામ સાથે નજદીકી મેળવી રાજકીય ફાયદો મેળવ્યો હોવાનું પણ કહેવાય છે. 2008ની 5, જુલાઈના રોજ અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આશ્રમમાં અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના અપમૃત્યુ અને તેથી સર્જાયેલા વિવાદના કારણે આસારામ સામે વિવાદ ઊભા થયા. રાજકારણીઓ સહિત અનેકોએ આસારામથી પોતાને દૂર કર્યા. દીપેશ અને અભિષેક આસારામના આશ્રમમાં ભણતા હતા અને તેમના મૃત દેહો આશ્રમ નજીક મળી આવતા ચકચાર જામી હતી. આ બેવડી બાળ હત્યાની તપાસ માટે ડી. કે. ત્રિવેદી પંચ રચાયું હતું. આ બંને બાળકોની હત્યાનો બનાવ આસારામના આશ્રમ માટે કલંકિત રહ્યો. જે બાદ આસારામ સામે વિવિધ આક્ષેપો વિવિધ સ્થળોએ થતા ગયા.
જોધપુરનો બળાત્કાર કેસ આસારામ માટે નિર્ણાયક બન્યો
વર્ષ 2013માં આસારામ સામે રાજસ્થાનના જોધપુર ખાતે સગીરા સાથેના બળાત્કારની ફરિયાદ નોંધાઇ. આસારામના જ ભક્ત પરિવારે પોતાની 16 વર્ષની દીકરીને વળગાડની બીમારી દૂર કરવા જોધપુર લાવ્યા હતા. ભક્તની દીકરીને વળગાડથી મુક્ત કરવા પોતાની કુટિરમાં બોલાવી સગીરા સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થઈ. આરંભમાં પીડિત પરિવારને ધમકી અપાઈ, લાલચ અપાઈ પણ પીડિત પરિવાર ન્યાય માટે અડગ રહ્યો અને કોર્ટમાં કેસના ચુકાદાથી આસારામને જેલની સજા થઈ.
આસારામ સામે અનેક છે ગુના, કર્મ કોઈ ને પણ છોડતું નથી
પોતાને સંત ગણાવનારા આસારામ સામે પહેલી આંગળી દીપેશ - અભિષેક હત્યા કેસમાં ઊઠી હતી. આ બંને પિતરાઈ ભાઈઓ આસારામના ગુરુકુળમાં ભણવા આવ્યા હતા. થોડા જ દિવસોમાં બંનેના મૃતદેહો સાબરમતી નદીના પટથી મળ્યા હતા. ત્યાર બાદ 2013માં જોધપુર ખાતે સગીરા સાથેના દુષ્કર્મની ઘટના માટે આસારામ સામે કેસ બાદ સજા થઈ હતી. આ સાથે સુરત ખાતે બે બહેનોએ આસારામ સામે 1997થી 2006 વચ્ચે આસારામ અને તેના પુત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈને જેલ થઈ હતી. વર્ષ 2014માં એક સમયના આસારામના સાધક અને આયુર્વેદિક ડોકટર અમૃત પ્રજાપતિની પણ હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. હત્યા, ધમકી અને સાર્વજનિક જમીનો પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના આરોપ લાંબા સમયથી આસારામ પર લાગતા આવ્યા છે. આસારામને સુપ્રીમ કોર્ટે ઉંમરને કારણે જમીન મુક્ત કર્યો છે પણ કર્મ કોઈને પણ છોડતું નથી એ વાત આસારામના જીવનથી સિદ્ધ થાય છે.