નવી દિલ્હી: મનસુખ માંડવિયા કે જેમણે 2021માં કોવિડ -19 મહામારી દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ભૂમિકા ભજવી હતી, સોમવારે તેમને અનુરાગ ઠાકુરની જગ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભારતના નવા રમતગમત પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
52 વર્ષિય માંડવિયા પોરબંદરની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 3.83 લાખ મતોના અંતરથી હરાવીને વિજેતા બન્યા છે. યુવા બાબતો તેમજ રમત-ગમત મંત્રાલય ઉપરાંત માંડવિયાને સોમવારે મોદી 3.0 સરકારના નવા મંત્રીમંડળમાં રસાયણ અને ખાતર મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવ્યો હતો.
માંડવિયાને 2021 ના મધ્યમાં જ્યારે દેશ કોવિડ -19 કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે તેમણે ડૉ. હર્ષવર્ધનની જગ્યા લીધી હતી જેમને ફેરબદલના ભાગરૂપે મંત્રીમંડળ માંથી દૂર કરાયા હતા.
ત્યારે માંડવિયાના મંત્રાલયને ઓક્સીજન અને દવાઓની આપૂર્તિ વધારવા અને કોવિડ-19ની બીજી લહેર દરમિયાન રસીકરણ કાર્યક્રમ ઉપર દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું, નવી સરકારમાં આરોગ્ય મંત્રાલય જેપી નડ્ડાને સોંપવામાં આવ્યું છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી એ માંડવિયાની પહેલી લોકસભા ચૂંટણી હતી. માંડવિયાનો જન્મ 1 જૂન, 1972ના રોજ ભાવનગરમાં થયો હતો. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત થતાં પહેલાં, તેઓ 2002માં ભાવનગર જિલ્લાની પાલિતાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે જીત્યા હતા.
નિવર્તમાન રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર સતત ત્રીજી વખત મોદી સરકારમાંથી હટાવવામાં આવેલા 37 મંત્રીઓમાં સામેલ હતા. ઠાકુર 7 જુલાઈ, 2021થી આ પદ પર હતા અને લગભગ ત્રણ વર્ષ સુધી રમતગમત મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફેરબદલ બાદ કિરેન રિજિજુ પાસેથી મંત્રાલય સંભાળ્યાના થોડા અઠવાડિયા પછી ટોક્યો ગેમ્સમાં રેકોર્ડ 7 મેડલ જીત્યા હતાં.
ઠાકુરના રમત-ગમત મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ ભારતે પ્રથમ વખત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે મહત્વાકાંક્ષી દાવેદારી દાખવવાની શરૂઆત કરી.
- મંત્રીઓના વિભાગોનું વિભાજન, અમિત શાહ ફરી ગૃહમંત્રી બન્યા, શિવરાજ સિંહને કૃષિ મંત્રાલય મળ્યું - PM MODI MINISTERS PORTFOLIO
- મોદી મંત્રીમંડળ 3.0: ગુજરાતના છ સાંસદોને સ્થાન મળ્યું, ચાલો જાણીએ ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ વિશે... - PM Modi Cabinet