સુરત: સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજના કઠોદરા ગામમાં જય ખોડીયાર બસ પાર્કિંગમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે.
પકડાયેલા આરોપીઓમાં બસ પાર્કિંગના માલિક 40 વર્ષિય હિતેશભાઈ ગજેરા અને 40 વર્ષીય ટેન્કર ચાલક રામારામ જાટનો સમાવેશ થાય છે. આરોપીઓએ જમીનમાં બે અંડરગ્રાઉન્ડ ટેન્ક ગોઠવી હતી, જેમાં ૧૪,૦૦૦ લીટર અને ૧૫,૦૦૦ લિટર ટેન્કરમાં ભરેલુ 20,580 મળી કુલ 49,000 લિટર જેટલું બાયોડીઝલ સંગ્રહ કર્યું હતું. આ જથ્થો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરના બનાવટી બિલો દ્વારા ગાંધીધામથી મંગાવવામાં આવ્યો હતો.
મુખ્ય આરોપી હિતેશભાઈ ગજેરા વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધાયેલો છે. પોલીસે કુલ ૪૯.૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વોન્ટેડ આરોપીઓમાં અશ્વિનભાઈ ગજેરા અને ડિવાઇન લોજિસ્ટિક કંપનીના મેનેજરનો સમાવેશ થાય છે.
પોલીસે આ કેસમાં ઈપીકો કલમ ૨૭૮, ૨૮૫, ૧૧૪ તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા, પેટ્રોલિયમ એક્ટ અને સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. સાયન્ટિફિક ઓફિસર દ્વારા જપ્ત કરાયેલા જથ્થાના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે.