અમદાવાદ: અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગ(PC)ના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તા.27 એપ્રિલ સુધીમાં EVMના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.25 એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તા.27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે EVMના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. 28 એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે Know Your Polling Station અભિયાનનું આયોજન કરવામાં આવશે. તા.5 મે 2024 ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં 27 એપ્રિલ સુધીમાં EVMનું બીજું રેન્ડમાઇઝેશન, જ્યારે 5 મે 2024 ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી-2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તા.22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરિફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના 1 ઉમેદવાર વધતાં તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.07 મે, 2024 ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે.