ભાવનગરઃ ભાવનગરના તળાજાના સરતાનપર બંદરે દરિયામાં કાળા કલરનું પ્રવાહી તરતું હોય અને અનેક દરિયાઇ જીવ સૃષ્ટિના મૃત્યુ બાદ GPCBએ તપાસ આદરી છે. શેત્રુંજી નદી, મધ દરીયે અને દરીયા કાંઠેથી સેમ્પલો લઈને તપાસમાં મોકલવામાં આવ્યા છે. શંકાની સોય અલંગના પ્લોટ ઉપર પહોંચી છે. ચાલો જાણીએ વિગતે.
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર નજીક દરિયામાં કાળા કલરનું તરતું પ્રવાહી હોવાને પગલે ભાવનગર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી હતી. જેથી છેલ્લા બે દિવસથી તપાસ કરતા અલંગના પ્લોટની સંડોવણી હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.
સરતાનપર બંદર દરિયામાં તરતું પ્રવાહી
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદરથી દરિયામાં કાળા કલરના ઓઇલ જેવું પ્રવાહી તરતું જોવા મળ્યું હતું. જેને પગલે સ્થાનિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી એ જે રાઠોડે જણાવ્યું હતું કે સોમવારે જાણ ઘટનાની થતા જ સરતાનપર બંદર ઉપર ઘટના સ્થળે ટીમ મોકલી દેવામાં આવી હતી. આસપાસના વિસ્તારોમાંથી મળીને ત્રણ ચાર સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તપાસમાં મોકલવામાં આવ્યા છે.

અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ શંકાના દાયરામાં
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી એ જે રાઠોડે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે કાળા કલરનું પ્રવાહી ઓઇલ હોય જે ખાસ કરીને અલંગના જહાજમાં જોવા મળતું હોય છે. આથી અલંગના પ્લોટ પણ શંકાના દાયરામાં છે. જેને પગલે અલંગમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ.

ડીપ શીના બનાવની શંકાએ બે એજન્સી જોડાઈ
સરતાનપર બંદરે દરિયામાં કાળા કલરના ઓઇલના પગલે કેટલાક કરચલા અને માછલીઓના મોત થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી એ જે રાઠોડએ જણાવ્યું હતું કે ડીપ શીમાં બનાવ બન્યો છે કે કેમ તે જાણવા માટે પણ ગુજરાત કોસ્ટ ગાર્ડ અને ખંભાતની વીટીએમએસ સંસ્થાને તપાસમાં જોડવામાં આવી હતી.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી એ જે રાઠોડે જણાવ્યું હતું કે અલંગના જે પ્લોટ છે જેમાંથી પ્રવાહી નીકળેલું અને દરિયો પ્રદૂષિત થયેલો તેને અગાઉ નોટિસ આપેલી છે. હવે ક્લોઝર નોટિસ આપવામાં આવશે. જો તપાસમાં બહાર આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

કેટલા દંડની જોગવાઈ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી એ જે રાઠોડે જણાવ્યું હતું કે, અલંગ શિપ ઇન્ડસ્ટ્રીઝમાં જે ઓઇલ જે નીકળે અને દરિયામાં જીવ સૃષ્ટિને નુકસાન થાય તો કેટલા સમય માટે થયું છે અને કેટલા એરિયામાં આ બનાવ બન્યો છે. આ બધા ફેક્ટર તપાસવામાં આવે છે અને ત્યારબાદ દંડની જોગવાઈ 1 લાખથી 1 કરોડ સુધીની છે.