કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાનીમાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર પર થયેલ ચોંકાવનારા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જો કે, 6 મહિના બાદ પણ મૃતક તબીબના માતા-પિતા તેનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શક્યા નથી. પીડિતાનો મૃતદેહ ગયા વર્ષે 9 ઓગસ્ટની સવારે સરકારી સંસ્થાના પરિસરમાં એક સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો.
પીડિતાના માતા-પિતાનો આરોપ છે કે, તેઓ અત્યાર સુધી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવામાં અસમર્થ રહ્યા છે. કારણ કે, આરજી કર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, KMC અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે, મૃત્યુનું સ્થળ આરજી કર હોવાથી, મૃત્યુ પ્રમાણપત્ર પ્રદાન કરવાની હોસ્પિટલ સત્તાવાળાઓની જવાબદારી છે.
મૃતકના માતા-પિતાએ જણાવ્યું હતું કે, આરજી કર હોસ્પિટલના અધિકારીઓ દાવો કરે છે કે, જો કોઈ દર્દી હોસ્પિટલના પરિસરમાં મૃત્યુ પામે છે અથવા તેને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવે છે, તો KMC અધિકારીઓએ મૃત્યુ પ્રમાણપત્ર પ્રદાન કરવું પડશે. પીડિતાના માતા-પિતાએ વધુમાં દાવો કર્યો છે કે, તેમને મૃત્યુ પ્રમાણપત્રની નકલ મળી નથી.
મેડિકલ ઓફિસરે શું કહ્યું?
તે જ સમયે, આરજી કરના એક મેડિકલ અધિકારીના નિવેદન અનુસાર, કોર્ટના દસ્તાવેજોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે તેઓ કહી રહ્યા છે કે, તેમને મૃત્યુ પ્રમાણપત્ર મળ્યું નથી. જો કોર્ટના દસ્તાવેજોમાં મૃત્યુ પ્રમાણપત્રનો ઉલ્લેખ છે. તો સર્ટિફિકેટની નકલ તેમને કેમ સોંપવામાં આવી નથી.
આ મામલે કોર્ટે ફટકારી સજા
નોંધનીય છે કે, તાજેતરમાં કોલકાતાની વિશેષ અદાલતે દુષ્કર્મ અને હત્યા મામલે નાગરિક સ્વયંસેવક સંજય રોયને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવી હતી. કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને 24 ફેબ્રુઆરીના રોજ આ કેસમાં તેની તપાસનો નવો પ્રોગ્રેસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જોકે, સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મ અને હત્યાના મુખ્ય ગુનામાં આરોપીને પહેલાથી જ દોષિત ઠેરવ્યો હોવાથી, કાયદાકીય વર્તુળો માને છે કે, નવો પ્રોગ્રેસ રિપોર્ટ કેસમાં પુરાવા સાથે ચેડાં કરવાના એંગલ સાથે સંબંધિત હશે.
એવું જાણવા મળે છે કે, વિશેષ અદાલતે પીડિત પરિવારના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે CBIને નવો પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમાં કેન્દ્રીય એજન્સી પર કેસની તપાસની પ્રગતિ વિશે સમયાંતરે કોર્ટને અપડેટ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: