ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર ખૂબ જ હાઈ પ્રોફાઈલ બેઠકમાં આવે છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલ ચૂંટણી લડશે. કોંગ્રેસે ગાંધીનગર લોકસભા સીટ પરથી મહિલા ઉમેદવાર સોનલબેનને મેદાનમાં ઉતાર્યા છે.
મહારાષ્ટ્રના સહપ્રભારી છે સોનલ પટેલ
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડા લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. કોંગ્રેસ પાસે આ વખતે સક્ષમ ઉમેદવારની તંગી હોવાના કારણે સોનલ પટેલને ટિકિટ આપી છે. સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે.
ભાજપના દિગ્ગજોની પ્રથમ પસંદ છે આ બેઠક
છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સંસદમાં મોકલનાર આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. હવે તેનું પ્રતિનિધિત્વ શાહ કરે છે, જેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના સીજે ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા. ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગર કે જ્યાંથી રાજ્ય સરકાર દ્વારા જનતાને અનુલક્ષીને મહત્વના નિર્ણયો લેવાય છે.