સુરત : ગુજરાતી ભાષાનો જ્ઞાન ન હોવાના કારણે 521 સરકારી અધિકારી અને કર્મચારીઓએ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજમાંથી મુક્તિ માટે અરજી કરી હતી. એટલું જ નહીં આ સુરત જિલ્લામાં 3143 જેટલા કર્મચારીઓએ લોકસભાની ચૂંટણીમાં ફરજ મુક્તિ માટે અરજી કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 930 જેટલી અરજીઓને નામંજૂર કરવામાં આવી છે.લોકસભાની ચૂંટણીમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય આ માટે ચૂંટણી પંચ દ્વારા સરકારી અધિકારી અને કર્મચારીઓને અલગ અલગ ફરજ સોંપવામાં આવે છે. સુરત જિલ્લામાં આવા 27,336 જેટલા અધિકારી અને કર્મચારીઓને ચૂંટણી દરમિયાન ખાસ ડ્યુટી કરવા માટે ઓર્ડર ઇસ્યુ કરાયા હતા. પરંતુ આ ઓર્ડર પ્રમાણે ડ્યુટી ન કરવા માટે કુલ 3, 143 જેટલા અધિકારી અને કર્મચારીઓએ આ ફરજ પરથી મુક્તિ આપવા માટે જિલ્લા ઇલેક્શન અધિકારીને અરજી કરી હતી.અધિકારીઓએ અનેક કારણો જણાવીને ફરજ પરથી મુક્તિ આપવા માટે અરજી કરી હતી.
930 જેટલી અરજીઓ અમે નામંજૂર:નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. સી. પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અલગ અલગ કામગીરી માટે અધિકારી અને કર્મચારીઓને ડ્યુટી આપવામાં આવતી હોય છે. આ ડ્યુટી ન કરવા માટે કુલ 3153 જેટલા અધિકારી અને કર્મચારીઓએ રજૂઆત કરી હતી કે તેઓને આ ફરજમાંથી મુક્તિ આપવામાં આવે. તેઓએ પોતાની અરજીમાં અલગ અલગ કારણો પણ દર્શાવ્યા હતા. જેમાં ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે તેમના પિતા માતા અથવા તો પરિવારના સભ્યની બીમારીના કારણે તેઓ ફરજ પર હાજર રહી શકે નહીં તો બીજી બાજુ કેટલાક અધિકારી અને કર્મચારીઓએ લગ્નના કારણે દર્શાવ્યા છે. આ સાથે કેટલાક લોકોએ વિદેશ પ્રવાસ સહિત અનેક બાબતો જણાવ્યા છે. અમે 3143 અરજીઓ માંથી 1692 અરજીઓને માન્ય રાખી છે જ્યારે યોગ્ય કારણ ન હોવાના કારણે 930 જેટલી અરજીઓ અમે ના મંજૂર કરી છે.