મુંબઈ:કિરણ રાવની કોમેડી ડ્રામા લાપતા લેડીઝ 97માં ઓસ્કાર એવોર્ડ્સમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે અને આમિર ખાન તેના સહ-નિર્માતા છે. ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ અને રવિ કિશન મહત્વની ભૂમિકામાં છે. હાલમાં જ કિરણ રાવે કહ્યું હતું કે, લાપતા લેડીઝ ઓસ્કારમાં જાય તે તેનું સપનું છે. જે પછી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યો ચેન્નાઈમાં એકઠા થયા અને જાહેરાત કરી કે તેઓ 97માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે લાપતા લેડીઝને મોકલી રહ્યાં છે.
આમિર ખાન પ્રોડક્શન અને કિંડલિંગ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'થી કિરણ રાવ ધોબીઘાટ બાદ દિગ્દર્શનમાં પરત ફર્યા છે. તેની થિયેટરમાં રિલીઝ પહેલાં, ફિલ્મ 2023 માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં દર્શાવવામાં આવી હતી. તેને ફેસ્ટિવલમાં હાજર પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.