નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મહેસૂલ સેક્રેટરી સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આગામી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે, "કેબિનેટની નિમણૂક સમિતિએ 11.12.2024 થી ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે મહેસૂલ વિભાગના સચિવ સંજય મલ્હોત્રા IAS (RJ:1990) ની નિમણૂકને મંજૂરી આપી છે."
મલ્હોત્રા, 1990 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી, શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ મંગળવારે (10 ડિસેમ્બર, 2024) એટલે કે આડ રોજ સમાપ્ત થાય છે. મલ્હોત્રા RBIના 26મા ગવર્નર હશે.
મલ્હોત્રાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ સ્નાતક છે અને પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસએમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ કર્યું છે.
33 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં પ્રદર્શિત નેતૃત્વ અને શ્રેષ્ઠતા સાથે, મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિતના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમની અગાઉની સોંપણીમાં, તેમણે નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું.
તેઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં નાણા અને કરવેરાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની વર્તમાન સોંપણીના ભાગરૂપે, તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરના સંદર્ભમાં કર નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.