કોલકાતા : અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરોએ કહ્યું છે કે તેમનો વિરોધ 'અનિશ્ચિત સમય સુધી' ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, તેમની માંગણીઓ કોઈપણ રીતે ખોટી હોવાનું કોઈ સાબિત કરી શકે નહીં. પશ્ચિમ બંગાળના જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટના જુનિયર ડૉક્ટરોએ 5 ઑક્ટોબરે કોલકાતામાં આર.જી કર દુષ્કર્મ અને હત્યા કેસને લઈને અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી, રાજ્ય સરકારને તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પૂરી કરવાની માંગ કરી.
ધર્મતલામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં સુધી ડોક્ટરો તેમની સમસ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ પર પાછા ફરવાનો ઈન્કાર કરી રહ્યા છે. હડતાળમાં સામેલ જુનિયર ડોકટરોમાંના એક ડો. આકિબે ANIને જણાવ્યું કે, મુખ્ય અને સૌથી મોટી માંગ આર.જી કર હોસ્પિટલમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ન્યાયની છે. તેમણે કહ્યું કે, આર.જી કર મામલામાં સેશન્સ કોર્ટમાં સીબીઆઈની ભૂમિકા ખૂબ જ ઢીલી છે. અમે ઈચ્છીએ છીએ કે આ મામલે વહેલી તકે ન્યાય મળે.
તેમણે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જે પણ સમિતિઓ બનાવવામાં આવે છે, તેમાં વિદ્યાર્થીઓ વતી એક પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે અને તે પ્રતિનિધિને ચૂંટવામાં આવે. અમે છેલ્લા કેટલાક દિવસોમાં શક્ય તેટલી બધી કોશિશ કરી છે અને હવે આ અમારો છેલ્લો પ્રયાસ છે. તેમણે કહ્યું કે અમારી માંગણી ખોટી છે એવું કોઈ કહી શકે નહીં.