આસિફાબાદ: તેલંગાણાના કુમુરમ ભીમ આસિફાબાદ જિલ્લામાં શનિવારે વાઘના હુમલામાં એક ખેડૂત ઘાયલ થયો હતો. આ ઘટના સિરપુર મંડલના ડુબાગુડામાં બની હતી. જણાવવામાં આવ્યું કે, વાઘના હુમલા બાદ ખેડૂત સુરેશની પત્ની સુજાતાએ અસાધારણ હિંમત બતાવી હતી, જેણે પોતાના પતિ રાઉથુ સુરેશને મોતથી બચાવવા વાઘ સાથે લડાઈ કરી.
આ ચોંકાવનારી ઘટના શનિવારે સવારે બની જ્યારે સુજાતા નજીકના ખેતરમાં કપાસ વીણી રહી હતી અને તેનો પતિ સુરેશ બળદગાડા સાથે ત્યાં પહોંચ્યો હતો, તેને ખબર ન હતી કે, નજીકમાં એક વાઘ સંતાયો છે. જેવો જ સુરેશ નજીક આવ્યો કે તરત જ વાઘે તેના પર હુમલો કર્યો અને તેના પંજા વડે તેના ગળા પર હુમલો કર્યો, જેના કારણે સુરેશ બેભાન થઈ ગયો.
સુજાતા, જે માત્ર 15 મીટર દૂર હતી, તે પોતાના પતિ પર વાઘે કરેલા હુમલાથી હેબતાઇ ગઇ. જો કે, તેનો ડર ટૂંક સમયમાં હિંમતમાં બદલાઈ ગયો. નજીકમાં પડેલા પથ્થર અને લાકડી વડે સુજાતા બૂમો પાડીને વાઘ પર હુમલો કર્યો, જેથી વાઘ ભાગી ગયો. આ રીતે સુજાતાએ તેના પતિને મોતના મુખમાંથી બચાવ્યો હતો.
આ પછી, નજીકના ખેતરોમાં કામ કરતા ખેડૂતોની મદદથી, તેણે સુરેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે.