સુરત: ભારત સહિત ગુજરાત ખાસ કરીને સુરતના ઈતિહાસમાં 15 જાન્યુઆરીનો દિવસ ક્યારેય નહીં ભુલાઈ, કારણ કે આ દિવસે દેશને ત્રણ શક્તિશાળી યુદ્ધજહાંજો મળ્યા છે જેમાં INS સુરત પણ સામેલ છે. આમ દેશની સેવામાં સુરતનું નામ પણ ઉમેરાયું છે, આજે પીએમ મોદીએ ત્રણ શક્તિશાળી યુદ્ધજહાંજો દેશને સમર્પિત કર્યા છે, જેમાં INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર પણ સામેલ છે.
PM મોદીએ દેશને 3 INS જહાંજો સમર્પિત કર્યા
મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભારતીય નૌકાદળમાં ત્રણ નવા યુદ્ધજહાજો - INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનો પ્રસ્થાપન સમારોહ યોજાયો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ કર્યુ પ્રતિનિધિત્વ
સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરતા મેયર દક્ષેશભાઈ માવાણી પણ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નેવી અનુસાર, INS નીલગિરી 17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પહેલું જહાજ છે. તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે જેમ કે વધેલી વહન ક્ષમતા, લાંબા સમય સુધી દરિયામાં ટકી રહેવાની ક્ષમતા અને સ્ટીલ્થ જેવી ઉચ્ચ વિશેષતા સજ્જ છે.

આ જહાંજ વિશ્વના સૌથી મોટા અને અદ્યતન વિનાશક જહાજોમાંનું એક છે. INS નીલગિરીમાં 75 ટકા સ્વદેશી ટેકનોલોજી અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યુદ્ધજહાજ અત્યાધુનિક શસ્ત્રો, સેન્સર પેકેજ અને અદ્યતન નેટવર્ક-સેન્ટ્રીક ક્ષમતાઓથી સજ્જ છે.

યુદ્ધ જહાંજોની ખાસીયત
INS સુરત અને INS નીલગિરી ભારતીય નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો છે, જે દેશને હવાઈ સંરક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ છે. યુદ્ધ જહાજ સરહદથી થોડાક કિલોમીટર દૂર હવામાં દુશ્મન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને નષ્ટ કરી શકશે.

આધુનિક સબમરીન INS વાઘશીર યુદ્ધની સ્થિતિમાં દેશની યુદ્ધ કરવાની ક્ષમતામાં વધારો કરશે. આ સબમરીનમાંથી લાંબા અંતરની મિસાઈલ છોડી શકાય છે. આ જ શ્રેણીની સબમરીન INS અરિઘાટને ગયા વર્ષે નેવીમાં સામેલ કરવામાં આવી હતી. જ્યારે INS વાઘશિર P75 સ્કોર્પીન પ્રોજેક્ટની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે. તે સબમરીન બાંધકામમાં ભારતની વધતી જતી કુશળતાને દર્શાવે છે. તે ફ્રેન્ચ નેવલ ગ્રુપના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત નિર્મિત આ યુદ્ધજહાજો ભારતની સ્વદેશી ક્ષમતાનું પ્રતીક છે. મેયર માવાણીએ જણાવ્યું કે સુરતના નામે યુદ્ધજહાજનું નામકરણ શહેર માટે ગૌરવની વાત છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે લેવાતા પગલાંની સરાહના કરી.
આ પ્રસંગે સુરત શહેરના નાગરિકો માટે ગર્વની ક્ષણ બની રહી, કારણ કે ભારતીય નૌકાદળમાં તેમના શહેરના નામે એક શક્તિશાળી યુદ્ધજહાજ સામેલ થયું છે. આ પ્રસ્થાપન સમારોહ ભારતીય નૌકાદળની વધતી તાકાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતીક બની રહ્યો.