મુંબઈ: બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રવિવારે સવારે 6 વાગ્યે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાય છે. સ્ટેશન પર હાજર રેલવે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમજ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
BMC અનુસાર, બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર ભીડને કારણે મચેલી નાસભાગમાં 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેર થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નાસભાગ બાદ ઘણા લોકો પ્લેટફોર્મ પર બેભાન થઈને પડ્યા હતા. સાથે જ પોલીસકર્મીઓ પણ ઘાયલોને લઈ જતા જોવા મળ્યા હતા. સ્ટેશન પર હાજર લોકો પણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં જૂતાં અને ચપ્પલ વેરવિખેર પડ્યાં હતાં.