નવી દિલ્હી: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે બુધવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સંદીપ ઘોષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કલકત્તા હાઈકોર્ટે હોસ્પિટલમાં કથિત ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના સંબંધમાં CBI તપાસના આદેશને પડકાર્યો છે. આ કેસની સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે.
સંદીપ ઘોષની અરજીમાં પશ્ચિમ બંગાળ રાજ્ય, ડાયરેક્ટર, એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ડિરેક્ટર સીબીઆઈ અને અન્ય બેને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આ અરજીને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરવામાં આવશે. બેન્ચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
અરજીના વિષયવસ્તુથી વાકેફ સ્ત્રોતના જણાવ્યા અનુસાર, અરજદારે દાવો કર્યો હતો કે સીબીઆઈને તપાસ સોંપતા પહેલા હાઈકોર્ટે તેમનો પક્ષ સાંભળ્યો ન હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટે હોસ્પિટલમાં બળાત્કારની ઘટનાને ભ્રષ્ટાચાર સાથે જોડતી ટિપ્પણીઓ બિનજરૂરી રીતે કરી છે.