ઉત્તરપ્રદેશ: મેરઠમાં લિસાડી ગેટની સુહૈલ કોલોનીમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે, મૃતકોમાં 3 બાળકો હતા. તમામ મૃતદેહો ઘરની અંદરથી મળ્યા છે. હજુ સુધી એ જાણકારી નથી મળી કે, હત્યા કોણે કરી અને હત્યાનું શું કારણ હતું. SSP સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ માટે ક્રાઇમ બ્રાંચ અને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ડોગ સ્કવોડની મદદથી પુરાવાઓ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારના 5 લોકોનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.
મેરઠમાં સામૂહિક હત્યાકાંડ:મૃતકોમાં પતિ મોઇન, પત્ની અસ્મા અને 3 બાળકો અફ્સા (8 વર્ષ) અજીજા (4 વર્ષ) અદીબા (1 વર્ષ) છે. ત્રણેય બાળકોની હત્યા પછી મૃતદેહોને બેડના બોક્સમાં સંતાડવામાં આવ્યા હતા. મારી નાખ્યા પછી બાળકોના મૃતદેહને બોરીમાં બાંધીને રાખ્યા હતા. ત્રણેય મૃતદેહ બેડના બોક્સમાં મળ્યા હતા. ઘરનો મોભી મોઇન મિસ્ત્રીનું કામ કરતો હતો.
એક જ પરિવારના 5 લોકોની હત્યા: સામૂહિક નરસંહારનો ખુલાસો ત્યારે થયો. જ્યારે મોઇનનો ભાઇ સલીમ ગુરુવારના રોજ સાંજે ઘરે પહોંચ્યો હતો. સલીમ પોતાની પત્ની સાથે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પાડોશિઓ પાસેથી જાણવા મળ્યું કે, બુધવારથી કોઇ બહાર દેખાઇ નથી રહ્યું. ત્યારબાદ જબરદસ્તી બારણું તોડવામાં આવ્યું, અંદર જઇને જોયું તો અંદરનું દૃશ્ય જોઇને તેના હોશ ઉડી ગયા. જમીન પર મોઇન અને આસમાના મૃતદેહ પડેલા હતા. બેડની અંદર ત્રણેય બાળકોના મૃતદેહ મળ્યા હતા. ઘરનો બધો જ સામાન વિખરેલો હતો.