છત્તીસગઢ :મહાદેવ બેટિંગ એપ કેસમાં ફરી એકવાર SIT ટીમને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SIT ટીમે એક્ટર સાહિલ ખાનની છત્તીસગઢના જગદલપુરથી અટકાયત કરી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવા અને તેનો પ્રચાર કરવાનો આરોપ છે. બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં અભિનેતા સાહિલ ખાન મુંબઈ છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ફરાર સાહિલ ખાન ઝડપાયો :સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અભિનેતા સાહિલ ખાનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં ન આવતા અને ધરપકડમાંથી રાહત આપવામાં ન આવતા તે મુંબઈ છોડીને ભાગી ગયો હતો. અભિનેતા સાહિલ ખાન ફરાર હતો અને સતત લોકેશન બદલતો હતો. પોલીસ સતત સાહિલનો પીછો કરી રહી હતી. લગભગ 40 કલાકના સતત પીછો કર્યા બાદ પોલીસને સફળતા મળી હતી.
બસ્તરમાં છુપાયો હતો સાહિલ : પોલીસે શનિવારે સાંજે છત્તીસગઢના બસ્તર વિભાગના જગદલપુર શહેરમાંથી અભિનેતા સાહિલ ખાનની અટકાયત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ સાહિલ ખાનને ફ્લાઇટ દ્વારા મુંબઈ લઈ જઈ રહી છે.
સાહિલ ખાન પર આરોપ શું ? મળતી માહિતી મુજબ અભિનેતા સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવાનો અને સટ્ટાબાજીની એપને પ્રમોટ કરવાનો આરોપ છે. મુંબઈની માટુંગા પોલીસની મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ SIT ટીમે અભિનેતા સાહિલ ખાનની પૂછપરછ કરી હતી.
મહાદેવ બેટિંગ એપ કેસ : પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIR મુજબ આ કૌભાંડ અંદાજે 15 હજાર કરોડ રૂપિયાનું છે. આ કેસમાં અભિનેતા સાહિલ ખાન અને અન્ય 31 લોકો સામે તપાસ ચાલી રહી છે. પોલીસ ટીમ સાહિલના બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન, લેપટોપ અને તમામ ટેક્નિકલ ઉપકરણોની તપાસ કરી રહી છે.
- Mahadev Betting Case : મહાદેવ સટ્ટાબાજી કેસમાં નવી ચાર્જશીટ દાખલ, જાણો સમગ્ર મામલો
- ઓનલાઈન ગેમિંગ કેસમાં EDએ રણબીર કપૂરને મોકલ્યું સમન્સ, આ દિવસે થશે પૂછપરછ