ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNU Student Union Election : JNU કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે બબાલ, સમગ્ર મામલે પ્રશાસન મૌન - Democratic Students Federation

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં (JNU) વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન ABVP અને ડાબેરી સમર્થક જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે JNU પ્રશાસનને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

JNU કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે બબાલ
JNU કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે બબાલ

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 3:49 PM IST

નવી દિલ્હી :જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) કેમ્પસમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન બબાલ થઈ હતી. શુક્રવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા ABVP અને ડાબેરી પક્ષોને સમર્થન આપતા જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષોએ દાવો કર્યો છે કે તેમના કેટલાક સભ્યો ઘાયલ થયા છે. આ અથડામણ માટે બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા છે. જોકે સમગ્ર મામલે JNU પ્રશાસને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં 2024 JNU વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે ચૂંટણી પંચના સભ્યોની પસંદગી કરવા બેઠક બોલાવવામાં આવી હતી. સાબરમતી ધાબા ખાતે યુનિવર્સિટી જનરલ બોડી મીટિંગ (UGBM) દરમિયાન વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ડાબેરી સંલગ્ન ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશને (DSF) આક્ષેપ કર્યો હતો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) સભ્યો સ્ટેજ પર ચઢી ગયા હતા. ઉપરાંત કાઉન્સિલના સભ્યો અને વક્તાઓ સાથે મારપીટ કરી હતી.

બંને જૂથ દ્વારા સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ સૂત્રોચ્ચાર વચ્ચે ઝઘડો કરતા જોવા મળ્યા હતા. જ્યારે યુનિવર્સિટીના સુરક્ષાકર્મીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો હતો કે JNUSU પ્રમુખ આઈશી ઘોષ પર ABVP ના વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત અથડામણ દરમિયાન તેમના પર પાણી ફેંકવામાં આવ્યું હતું.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, JNUSU પ્રમુખ આઈશી ઘોષ સાથે એબીવીપીના ગુંડાઓએ દુર્વ્યવહાર કરીને હુમલો કર્યો હતો. ઘોષ પર પાણી ફેંકવામાં આવ્યું હતું. JNU ની એક વિદ્યાર્થીની પ્રત્યેના આવા અપમાનજનક વર્તનને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. જોકે આ દાવા અંગે આઈશી ઘોષની પ્રતિક્રિયા મળવાની બાકી છે. જમણેરી વિદ્યાર્થી જૂથનો આરોપ છે કે DSF કાર્યકરોએ ABVP ના JNU સેક્રેટરી વિકાસ પટેલ પર હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે અથડામણ દરમિયાન અન્ય એક વિદ્યાર્થી પ્રશાંત બાગચીને પણ અંગત અદાવતમાં માર મારવામાં આવ્યો હતો.

ABVP નો આરોપ છે કે M.A ના અંતિમ વર્ષના વિદ્યાર્થી પ્રફુલ્લ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ડાબેરી જૂથોના વિદ્યાર્થીઓએ BA પર્શિયનના વિકલાંગ વિદ્યાર્થી દિવ્યપ્રકાશ પર પણ હુમલો કર્યો હતો, કારણ કે તે ABVP ને ટેકો આપતો હતો. UGBM માં ચૂંટણી પંચના સભ્યોની ચૂંટણીમાં મતદાન કરવા JNU કેમ્પસમાં સાબરમતી ઢાબા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.

દિલ્હી પોલીસે કહ્યું કે તેઓ JNU પ્રશાસનના સંપર્કમાં છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી પોલીસને માત્ર ABVP તરફથી ફરિયાદ મળી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનને મોડી રાત્રે 12:30 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો. પોલીસની એક ટીમ યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પર પહોંચી, પરંતુ કેમ્પસની અંદર નહોતા ગયા.

  1. JNU Delhi: JNUમાં યુનિ. તંત્ર વિરૂધ્ધ વિદ્યાર્થીઓએ યોજી મશાલ રેલી, કહ્યું હજી મોટા પ્રદર્શન માટે તૈયાર રહેજો...
  2. JNU Protest : JNU માં ડાબેરી વિદ્યાર્થી સંગઠનનો વિરોધ, આયશી ઘોષ પરનો દંડ રદ કરવાની માંગ

ABOUT THE AUTHOR

...view details