રાજકોટ:ETV ભારતની લોકસભાનાં ઉમેદવારોની પ્રચાર યાત્રા દરમ્યાન તેમની સાથે વાત કરવાની શૃંખલામાં 10-રાજકોટ લોકસભા બેઠકનાં ઈન્ડિયા ગઠબંધન વતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી સાથેની વાતચીત
ETV BHARAT: 21-22 વર્ષ પછી અમરેલીથી અહિંયા, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, ક્યા પ્રકારની રણનીતિ વિચારી રહ્યા છો?
પરેશ ધાનાણી: સંવિધાન ખતરામાં છે, બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, કોઈ અધિકાર માટે અવાજ ઉઠાવે તો પ્રજા દ્વારા સત્તાધીશ પ્રતિનિધિઓ અવાજ ઉઠાવનારને ડરાવે છે અને ધમકાવે છે, પીટાવે છે, ખોટા કેસોમાં ફિટ કરી દે છે, ત્યારે આ લડાઈ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિની લડાઈ નથી, આ લડાઈ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપની નથી, આ લડાઈ પરષોત્તમભાઈ વિરુદ્ધ પરેશની નથી, રણ-મેદાન અમરેલીનું હોય કે રાજકોટનું આ લડાઈ ત્યારે પણ સત્તાનાં અહંકારને ઓગાળવાની હતી પ્રજાનાં સ્વાભિમાનનું રક્ષણ કરવાની હતી, આ લડાઈ આજે પણ સંવિધાન અને બંધારણીય અધિકારોને આગળ ધપાવવાની છે.
ETV BHARAT: સુરતની ઘટના, કોંગ્રેસમાં નેતાગીરીમાં અસમંજસ એવામાં પરેશ ધાનાણીની રાજકોટથી લડવાની ઘોષણા, કાર્યકરોમાં ક્યાંક ચેતનાનો સંચાર થયો છે, શું આ વખતે રાજકોટમાં 2009વાળી થશે?
પરેશ ધાનાણી:સતત બંધારણીય અધિકારો પર પ્રહાર, એ અધિકાર જેમાં રાજા હોય કે રંક, ગરીબ હોય કે અમીર, રોડપતિ હોય કે કરોડપતિ બધાને એક શસ્ત્ર મળ્યું છે. આ મતનાં અધિકારનું શસ્ત્ર, આજે સામાન્યમાં સામાન્ય માનવીને મળેલા એ શસ્ત્રની ધાર સતત બુઠ્ઠી કરવાનું સત્તામાં બેઠેલા લોકો પ્રયાસ કરી રહ્યા છે, ક્યાંય કામનાં નામે મત માંગી શકતા નથી, એટલે વર્ગ-વિગ્રહનાં નામે વિવાદો કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે, સરકારની નિષ્ફરળતાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે, ત્રણ-ત્રણ મુખ્યમંત્રીઓ રાજકોટએ આપ્યા છતાં આજે વર્ગ-વિગ્રહ તરફ સમાજને ધકેલવાનો પ્રયાસ રાજકોટની આ ભૂમિ પરથી થયો છે. ત્યારે પ્રજાનાં સ્વાભિમાનની લડાઈનાં બીજ જ્યારે 19 તારીખે નખાયા ત્યારે વિજય વિશ્વાસનું વટવૃક્ષ પણ સાથે-સાથે એટલે સ્થાપાઈ ગયું હતું કે જો આ વખતે ચુકી ગયા તો બધે હરીફો વિહોણી ચૂંટણીઓ થશે અને એવું રાજકોટની આ પ્રજા નહિ થવા દે એવો મને ચોક્કસ વિશ્વાસ છે, પેટીઓ ખુલે ત્યારે જોજો, અહંકાર ઓગળી ગયો હશે અને સ્વાભિમાનની જીત થશે.
ETV BHARAT: વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતાની ભૂમિકા વખતે જે મિજાજ હતો એ જ મિજાજ આજે પણ છે, તો પરેશ ધાનાણીને ડર નથી લાગતો આ બધી રેડ કરતી એજંસીઓથી?
પરેશ ધાનાણી: એકાદી રેડ પડે તો સારું અને ગામમાં થોડી આબરૂ વધે અને કોક ઉછીનાં ઉધાર આપે. આ અનીતિ વિરુદ્ધ નીતિની લડાઈ છે, અસત્ય વિરુદ્ધ સત્યની લડાઈ છે, અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે, ભલે અમે મુઠ્ઠીભર લોકો રહ્યા પણ આ લડાઈમાં જીત અમારી થશે.