વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામે આવેલા બાફળી પાડામાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગથી ફળિયામાં જવા માટેનો માર્ગ ન હોવાને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં વચ્ચે આવતી માન નદી ઉપર બ્રિજ ન હોવાને કારણે ચોમાસા દરમિયાન સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ નદીના પ્રવાહમાં ઉતરીને જવાની ફરજ પડે છે. સાથે જ પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. હોસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના નિષ્ફળ નિવડી હોવાનું સ્થાનિક મહિલાઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું. ત્યારે પીવાનું પાણી મુખ્ય માર્ગ અને બ્રિજ બનાવાય એવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપ્યું છે.
200 થી વધુ ઘરો આવેલા છે: ધામણી ગામે બાફળી પાડા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી લોકોની હાલત દઈનિય છે. જે અંગે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈને પ્રાંત અધિકારી ધરમપુરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ફળિયામાં 200થી વધુ ઘરો આવેલા છે. જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. ફળિયામાં એકમાત્ર હેન્ડ પંપ આવેલો છે અને એમાં પણ જડતર નીચે સુધી ચાલી ગયું છે. જેથી મહિલાઓને પાણી ભરવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે.
108 ફળિયામાં આવતી નથી: ધામણી ગામના બાફડી પાડા ફળિયામાં મુખ્ય માર્ગથી ફળિયામાં આવતો રોડ ન હોવાને કારણે તેમજ માર્ગમાં નાર નદી વહેતી હોય 108 એમ્બ્યુલન્સ પણ ફળિયામાં આવી શકતી નથી જેના કારણે ચોમાસા અને અન્ય દિવસો દરમિયાન દર્દીઓને સારવાર માટે લઈ જવા માટે ઘણી મુશ્કેલી પડે છે. ફળિયામાંથી મુખ્ય માર્ગ સુધી દર્દીને ઘણીવાર ઉચકી લઈ જવાની ફરજ પડે છે.