નવી દિલ્હી:દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પાર્ટી અને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકારી લીધું છે. કૈલાશ ગેહલોતે પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. તેમણે કેજરીવાલને તેમના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપતો પત્ર પણ મોકલ્યો છે. પોતાના રાજીનામા પત્રમાં તેમણે યમુનાની સફાઈ અને શીશમહેલના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો છે.
ગેહલોતે પત્રમાં લખ્યું છે કે,"અમે છેલ્લી ચૂંટણીમાં યમુનાને સાફ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ સફાઈ થઈ નથી, અમે અમારું વચન પૂરું કરી શક્યા નથી."
કૈલાશ ગેહલોતે પત્રમાં આરોપ લગાવ્યો છે કે, 'દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી કેન્દ્ર સાથેના વિવાદોમાં પોતાનો સમય પસાર કરે છે. તે હંમેશા કેન્દ્ર સાથે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોમાં ફસાયેલી રહે છે. જેના કારણે વિકાસના કામો પ્રભાવિત થાય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પક્ષને જનતાને આપેલા વચનો પૂરા કરવામાં રસ નથી. પાર્ટી કેન્દ્ર સરકાર સાથે ચર્ચામાં જ પોતાનો સમય બગાડે છે. કેન્દ્ર સરકાર સાથે સંકલનના અભાવે જનહિતના કામો થઈ શકતા નથી. જે સુવિધાઓ મળવી જોઈએ તે પ્રજાને મળતી નથી.'
ગેહલોતે પત્રમાં યમુના સફાઈનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, જનતાને વચનો આપવા છતાં અમારી સરકાર દસ વર્ષમાં પણ આ દિશામાં કોઈ સાર્થક પગલાં લઈ શકી નથી. દિલ્હીમાં યમુનાની હાલત ખરાબથી ખરાબ થતી રહીવ છે. છેલ્લા દસ વર્ષમાં પ્રદૂષણ ઘટવાને બદલે વધતું જ રહ્યું છે. અમે જનતાને આપેલા વચનો પૂરા કરી શક્યા નથી.
તેમણે પત્રમાં લખ્યું કે, 'ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે જનતાને વચન આપ્યું હતું કે, પાંચ વર્ષમાં યમુના એટલી સ્વચ્છ બની જશે કે આપણે તેમાં સ્નાન પણ કરી શકીશું. પરંતુ આ થઈ શક્યું નહીં. અમારી સરકાર આ કરવામાં નિષ્ફળ રહી છે.'
કૈલાશ ગેહલોતે કેજરીવાલને લખેલા પત્રમાં રિનોવેશનના નામે મુખ્યમંત્રી આવાસને શીશ મહેલનું સ્વરૂપ આપવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, સરકાર બનાવતી વખતે અમે જનતાને સાદગીનો વાયદો કર્યો હતો, પરંતુ સરકારમાં આવતાની સાથે જ પાર્ટીનું વર્તન, ચરિત્ર અને ચહેરો બદલાઈ ગયો. જનતાની મહેનતના કરોડો રૂપિયા શીશ મહેલ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. જનતાના પૈસાનો આ પ્રકારનો દુરુપયોગ યોગ્ય નથી. આ જનતા સાથે મજાક છે. તેવી જ રીતે, પત્રમાં કેટલાક વધુ મુદ્દાઓ ઉઠાવતા ગેહલોતે પૂરા દિલથી પાર્ટી છોડવાની વાત કરી છે.
આ પણ વાંચો:
- દુષ્કર્મ ગંભીર ગુનો છે, કેસ રદ્દ કરતા પહેલા સમાધાનની તપાસ કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
- માર્ગદર્શી ચિટ ફંડે ત્રણ નવી શાખાઓનું વિસ્તરણ કર્યું, MD શૈલજા કિરણ દ્વારા વર્ચ્યુઅલી લોન્ચિંગ