નવી દિલ્હી:મહારાષ્ટ્રમાં નવી સરકાર ક્યારે શપથ લેશે તે નક્કી થઈ ગયું છે, પરંતુ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે છેલ્લા દસ દિવસથી તેની ચર્ચા થઈ રહી છે. જો કે ભાજપ દ્વારા મુખ્યમંત્રીની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ વતી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હવે બંને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યોની બેઠક થશે, જેમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે, જે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બની શકે છે. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે સાંજે 5:00 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં થશે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર કૃષ્ણરાવ બાવનકુલેએ ગયા અઠવાડિયે જ આની જાહેરાત કરી હતી.